સુરતીઓની લાગણી દુભાઈઃ સુરત-શારજાહ ફ્લાઇટ 28 માર્ચથી બંધ

Wednesday 25th March 2026 06:36 EDT
 
 

સુરતઃ સુરત-શારજાહ-સુરત વચ્ચે દોડતી ફ્લાઈટને સમર શિડ્યુલમાં બંધ કરવાની જાહેરાત સામે સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આગામી 28 માર્ચથી આ ફ્લાઇટ સત્તાવાર રીતે બંધ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હાલની યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે ગત 27મી ફેબ્રુઆરીથી આ ફ્લાઈટની ઉડાન બંધ છે. પરિણામે 27મી ફેબ્રુઆરીની ઉડાન આ રૂટની અંતિમ ફ્લાઇટ સાબિત થઈ છે.
સુરત એરપોર્ટ પરથી શરૂ થયેલી સુરત-શારજાહ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઈટ હતી, જે સુરતીઓ માટે માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ ગૌરવ અને લાગણી સાથે જોડાયેલી સેવા બની ગઈ હતી. વિવિધ ઉદ્યોગ સંગઠનો અને શહેરવાસીઓની લાંબા સમયથી ચાલી રહેલી માગ તથા સતત પ્રયત્નો બાદ 16 ફેબ્રુઆરી 2019થી આ ફ્લાઇટનો પ્રારંભ થયો હતો. આ ફ્લાઇટ શરૂઆતના દિવસોમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરતી હતી. ત્યારબાદ અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ અને હાલમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરી રહી હતી. ગલ્ફ દેશોમાં વસતા સુરતીઓ માટે આ રૂટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો.


comments powered by Disqus