આનંદીબહેનને મુખ્યમંત્રી તરીકે ગુમાવવા પડ્યાનો રંજઃ દિનેશ બાંભણિયા

હાર્દિક પટેલની ચોખવટઃ આંદોલન વ્યક્તિગત નહોતું

Wednesday 25th November 2026 05:27 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને બરાબર એક વર્ષની વાર છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લગતું ભૂત ફરી એક વખત ધૂણતાં રાજકીય મોરચો ગરમાયો છે. આંદોલનને દસ વર્ષ ઉપર થઇ ગયા બાદ પાટીદાર આંદોલનકારી અગ્રણી પૈકી એક દિનેશ બાંભણિયાએ જસદણમાં પાટીદારોના જ જાહેર સમારંભમાં કબૂલાત કરી છે કે, આંદોલનના કારણે તે વખતના સારાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી તરીકે ગુમાવવા પડ્યાં તેનો રંજ છે.
પાટીદાર આંદોલનકારીઓ શરૂઆતમાં એક હતા અને આંદોલન આગળ ચાલ્યું તેમતેમ તેમનામાં ભાગલા પડવાના શરૂ થયા હતા. ત્યાં સુધી કે કેટલાક પર રૂપિયા લેવાથી લઈ અન્ય ગંભીર આક્ષેપો પણ થયા હતા. ક્યારેય રાજકારણમાં પ્રવેશ ન કરીએ તેમ પાટીદાર સમાજને કહેનારા પાટીદાર નેતાઓ પૈકી કોઈ ભાજપ તો કોઈ કોંગ્રેસમાં આજે સક્રિય છે. દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, આંદોલનથી સમાજને આર્થિક અનામત સહિત ઘણું મળ્યું, પરંતુ આનંદીબહેન પટેલને હટાવવા અમે આંદોલનકારી બહાનું બન્યા હતા તેનું આજે પણ દુઃખ છે.
આનંદીબહેનનાં પુત્રી અનાર પટેલે જસદણના સમારંભમાં જ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, દિનેશભાઈએ કોઈ દુ:ખ રાખવાની જરૂર નથી. મારાં મમ્મીના હૃદયમાં કંઈ નથી અને મારી જવાબદારી તમને ઝડપથી આનંદીબહેનને મળાવવાની છે. જો કે તેમના આ નિવેદન અંગે ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, આંદોલનને કારણે કોઈને રાજીનામું આપવું પડ્યું નથી. તે સંઘર્ષના કારણે અનેક ફાયદા થયા છે અને આજે ઇડબલ્યુએસનો લાભ મળતો થયો છે. આંદોલન કોઈને હટાવવા માટે કે નુકસાન કરવા નહોતું, પણ સમાજના હિત માટે હતું. બાંભણિયાનું નિવેદન તેમનું વ્યક્તિગત હોઈ શકે. કોઈ વ્યક્તિ સામે આંદોલન નહોતું એટલે કોઇપણ પ્રકારનો મનની અંદર રંજ નથી.


comments powered by Disqus