આફૂસ કેરીના GI ટેગ માટે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે જંગઃ પ્રતિદાવાની અંતિમ સુનાવણી પૂર્ણ

Wednesday 25th November 2026 06:14 EST
 
 

વલસાડઃ વલસાડી આફૂસ કેરીને સ્વતંત્ર જીઆઇ (GI) ટેગ મેળવવા માટેની કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ હાલ ગતિમાં છે, પરંતુ હજી સુધી તેને સત્તાવાર રીતે જીઆઇ ટેગ મળ્યો નથી. ગુજરાત સરકાર, નવસારી કૃષિ યુનિવર્સિટી. નાબાર્ડ (NABARD) અને સ્થાનિક ખેડૂત સંગઠનો દ્વારા આ માટે લાંબા સમયથી સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે.
કોંકણની રત્નાગિરિ અને વલસાડી આફૂસના GI ટેગ સંબંધિત મુખ્ય વિગતો અને વર્તમાન વિવાદ સર્જાતો રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના ભૌગોલિક કોંકણ પંથકની રત્નાગિરિ આફૂસ અને દક્ષિણ ગુજરાતના વલસાડી આફૂસના જીઆઇ ટેગના દાવા વિવાદ મામલે ચેન્નઈ સ્થિત રજિસ્ટ્રી વિભાગ સમક્ષ ચાલી રહેલા દાવા પ્રતિદાવાની અંતિમ સુનાવણી પૂર્ણ થઈ છે, જેમાં કોંકણ અને વલસાડની આફૂસ મુદ્દે બંને પક્ષે દલીલો રજૂ કરાઈ હતી. હાલ આ મામલો કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી અને પેટન્ટ વિભાગ સમક્ષ વિચારણા હેઠળ છે અને તેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. જો સમાધાનમાં હિતનું રક્ષણ નહીં થાય તો વલસાડ અને નવસારીના ખેડૂતોએ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી છે. જીઆઇ ટેગ રજિસ્ટ્રી કચેરી સમક્ષ ગુજરાતના પ્રતિનિધિઓનું કહેવું છે કે, ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાનો વલસાડ જિલ્લાનો દક્ષિણ ગુજરાતનો આ દરિયાકાંઠાનો પટ્ટો સહ્યાદ્રી અને કોંકણ શ્રેણીને સમાંતર છે, વલસાડ જિલ્લાનો પૂર્વ ભાગ સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલો અને પશ્ચિમ દિશામાં વિરાટ અરબી સમુદ્ર સાથે જોડાયેલો છે. જ્યાં 150 વર્ષ પહેલાંથી વલસાડી આફૂસનો પાક થાય છે.
2018થી મેંગો વોક
મહારાષ્ટ્ર સાથે ‘મેંગો વોર’ અને વિવાદનો ઈતિહાસ વર્ષ 2018થી શરૂ થયો. ત્યારે રત્નાગિરિ, દેવગઢ, સિંધુદુર્ગ વગેરેની આફૂસ કેરીને સત્તાવાર રીતે જીઆઇ ટેગ અપાયો, સામે ગુજરાતે વલસાડી આફૂસના ટેગ માટે દાવો કર્યો.
કોંકણની લાલ માટી સુસંગત
મહારાષ્ટ્રની દલીલ હતી કે રત્નાગિરિ આફૂસનું નામ અને તેની ખાસ સુગંધ, સ્વાદ માત્ર કોંકણની ધરતીની લાલ માટી અને ક્લાઇમેટ સાથે જોડાયેલો છે. વલસાડની કેરીને આફૂસ નામ આપવાથી ભ્રમ સર્જાઈ શકે છે.


comments powered by Disqus