કેન્યાથી ચિત્તા, મધ્યપ્રદેશથી વાઘણ લવાશે

Wednesday 25th November 2026 05:17 EST
 
 

અમદાવાદઃ ગુજરાત ટૂંક સમયમાં હવે સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા જેવાં બિલાડી કુળનાં પ્રાણીઓ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. ગુજરાતમાં આગામી 3 મહિનામાં ચિત્તા અને એક વાઘણ લાવવામાં આવશે. કેન્યાથી એક નર ચિત્તો, એક માદા તેમજ 2 શાવકોને કચ્છના બન્નીમાં લવાશે. રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાણકારી આપી છે.
પંચમહાલ જિલ્લામાં રહેતા નર વાઘ માટે મધ્યપ્રદેશથી વાઘણ પણ લવાશે. આગામી 3 મહિના પહેલાં વાઘણને ગુજરાતમાં લાવવાની તમામ તૈયારી સંપન્ન થઈ ચૂકી છે. રતનમહાલનાં જંગલોમાં રહેતા એકમાત્ર વાઘ માટે રાજ્ય સરકારે વાઘણ લાવવાની માગ કરી હતી. એનટીસીએની ટીમે જંગલની મુલાકાત બાદ વાઘણને ગુજરાતમાં સ્થળાંતરિત કરવાની મંજૂરી આપી હતી.
ચિત્તાઓને ખાસ કાર્ગો વિમાન મારફતે ભુજ લવાશે અને ત્યારબાદ બન્ની લઈ જવાશે. કચ્છનો બન્ની વિસ્તાર તેના વિશાળ ઘાસિયાં મેદાનો માટે જાણીતો છે. ચિત્તાઓને ખુલ્લા મેદાનમાં ઝડપથી દોડવા અને શિકાર કરવા આવી જ જમીનની જરૂર હોય છે.
બન્નીમાં આશરે 500 હેક્ટર જેટલા વિસ્તારમાં ખાસ સુરક્ષિત એસ્ક્લોઝર તૈયાર કરાયું છે. જેની ફરતે આશરે 10 કિલોમીટર લાંબી લોખંડની વાડ બનાવાઈ છે, જેથી બહારનાં હિંસક પ્રાણીઓ ચિત્તાના વિસ્તારમાં ઘૂસી ન શકે અને ચિત્તાઓ પણ સુરક્ષિત રીતે નવા વાતાવરણમાં અનુકૂલન સાધી શકે. શરૂઆતના એક મહિના સુધી આ ચારેય ચિત્તાને ક્વોરન્ટાઇનમાં રખાશે અને ટીમ તેમના સ્વાસ્થ્ય પર 24 કલાક નજર રખાશે. બીજા તબક્કામાં એક વર્ષની અંદર વધુ ચિત્તા લાવવાનું આયોજન છે. ચિત્તાઓના પુનર્વસન માટે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર પ્રોજેક્ટ હેઠળ રૂ. 20 કરોડ ફાળવાયા છે.


comments powered by Disqus