અમદાવાદઃ ગુજરાતથી ભારતમાં સેમિકંડક્ટર ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટના ઉદઘાટનના થોડા મહિના બાદ સેમિકંડક્ટર અને PCB માટે ખૂબ જ મહત્ત્વના ગણાતા રિફ્લો ઓવનનું પણ હવે ગુજરાતમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે જરૂરી સેમિકંડક્ટર અને PCB ચિપ બનાવવામાં ખૂબ જ મહત્ત્વના ગણાતા રિફ્લો ઓવનના પ્લાન્ટનો અમદાવાદના બાવળામાં આવેલા જાણીતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે પ્રારંભ થયો છે. ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી અને સેમિકંડક્ટર પેકેજિંગ માટે રિફ્લો ઓવન બનાવતી વિશ્વની અગ્રણી કંપની હેલર ઇન્ડસ્ટ્રીઝ ઈન્ક.ની ભારતીય પેટાકંપની હેલર થર્મલ સિસ્ટમ્સ પ્રા.લિ. દ્વારા NMTtronicsકંપનીના સહયોગથી દેશના સૌપ્રથમ ભારતીય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું છે. આ પ્લાન્ટ માટે જરૂરી વિશ્વકક્ષાની ફેક્ટરી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધા ધ્યાન ગ્રૂપના માલિક બલરામ પઢિયાર દ્વારા ઉપલબ્ધ કરાઈ હતી. NMTtronics Indiaના સ્થાપક, MD અને CEO સોનીસરન સિંઘે કહ્યું, હેલર થર્મલ સિસ્ટમ્સ, NMTtronics અને ઇલેક્ટ્રોનિક્સ કેપિટલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગ માટે આ ગર્વની ક્ષણ છે.
