જંબુસરનાં તળાવો સુકાયાંઃ વિદેશી પક્ષીઓના આગમન પર ગંભીર અસર

Wednesday 25th November 2026 06:22 EST
 
 

જંબુસરઃ એક તરફ સરકાર દ્વારા જળસંચય અને પર્યાવરણ સંરક્ષણ માટે કરોડોના ખર્ચે વિવિધ અભિયાનો ચલાવાઈ રહ્યાં છે, ત્યારે બીજી તરફ જંબુસર શહેર અને તાલુકામાં આવેલી 42થી વધુ સરકારી તલાવડીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.
શહેરની અનેક તલાવડીમાં ગેરકાયદે દબાણ, માટી ખોદકામ, કચરો અને પુરાણ થતું હોવાની ફરિયાદો સામે આવી છે. પરિણામે જળસંગ્રહ ક્ષમતા ઘટતાં પશુ-પક્ષીઓ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ વાવડી સોસાયટીના રહીશો દ્વારા કચરો નાખવા ઉપરાંત માટી નાખીને તલાવડીનું પુરાણ કરાઈ રહ્યું છે. આ મુખ્ય માર્ગ પરથી સરકારી અધિકારીઓની પણ નિયમિત અવરજવર રહે છે, છતાં તલાવડી બચાવવા કોઈ કાર્યવાહી થતી નથી.
તલાવડીઓનું ક્ષેત્રફળ ઘટવાથી વરસાદી પાણી જમીનમાં ઉતરવાની કુદરતી પ્રક્રિયા અટકી રહી છે, જેના કારણે ભવિષ્યમાં ભૂગર્ભ જળસપાટી ઊંડી જવાની અને ઉનાળામાં પાણીની તીવ્ર અછત સર્જાવાનો ભય છે. આ સ્થિતિને જોતાં સ્થાનિક અને દેશવિદેશથી આવતાં પક્ષીઓના આગમન પર ગંભીર અસર થઈ શકે છે.


comments powered by Disqus