દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને તાજેતરમાં સર્જાયેલા વિવાદ બાદ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા કડક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી મંદિર પરિસરમાં ખાનગી ફોટોગ્રાફી પર રોક લગાવીને શ્રદ્ધાળુઓ માટે ચોક્કસ નિયમો અને ફી સાથેની સત્તાવાર વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં ખાસ ઠરાવ કરીને તમામ સભ્યોની સહમતીથી આ નવો નિયમ પસાર કરાયો છે. જેમાં મંદિરમાં ધ્વજાજી ચડાવવા, વિશેષ ભોગ-મનોરથ કરવા કે વર્ષ દરમિયાન ઊજવાતા વિવિધ ઉત્સવો સમયે યાદગીરી રૂપે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવવા ઇચ્છુક ભાવિકો આ સેવાનો લાભ લઈ શકશે. આ સેવા માટે શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશ મંદિર કચેરીમાં રૂ. 2500ની ફી જમા કરાવવાની રહેશે.
