ભાવનગરઃ ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોળી સમાજના નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ વિરોધીઓને જવાબ આપ્યો છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ‘કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ નિવેદન બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, તેની વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.
પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, હું વાતો કરવામાં નહીં પણ કામ કરીને બતાવવામાં માનું છું. 30 વર્ષથી મંત્રી હોવા છતાં મેં ક્યારેય કોઈની પાસે મંત્રીપદ માગ્યું નથી. આપે તો ઠીક, ન આપે તો પાછા આપણા મલકમાં આવી જવાનું. વચનો આપવા કરતાં બહેનો-દીકરીઓ અને ગરીબોના આશીર્વાદ મેળવવા વધુ જરૂરી છે. પોતાના 30 વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કરતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે, આજદિન સુધી એવી કોઈ સ્થિતિ આવી નથી અને ભવિષ્યમાં આવશે તો પણ હું પાછીપાની કરવાનો નથી. ઘણા લોકોએ મને તલવારો ભેટમાં આપી છે, પરંતુ તેમને કહી દઉં છું કે આ તલવારો મેં એમ જ નથી રાખી, જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરું છું. આ વાતમાં જેને જે સમજવું હોય તે સમજી લે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પરસોત્તમ સોલંકીએ સફેદ કપડાં તમારા માટે પહેર્યાં છે, બાકી જૂના ફોટો જુઓ જેમાં હું કાળાં કપડાં પહેરીને ફરતો હતો. મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતાં મને છોડી દેવો પડ્યો, કારણ કે હું ક્યાંય પકડાતો જ નથી.

