ધોરડો એરપોર્ટ પર 3000 મીટરનો રનવે બનાવાશે

Wednesday 25th November 2026 06:11 EST
 

ભુજઃ કચ્છના સફેદ રણમાં રણોત્સવ માટે દેશ-વિદેશના સહેલાણીઓને આકર્ષતા ધોરડો ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની સૈદ્ધાંતિક જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી. આ પ્રોજેક્ટ હવે માત્ર જાહેરાત પૂરતો સીમિત ન રહેતાં સત્તાવાર રીતે વહીવટી અને ઓન ગ્રાઉન્ડ તબક્કામાં આગળ વધ્યો છે. નાગરિક ઉડ્ડયન નિયામકની કચેરી (GUJSAIL) પાસેથી આરટીઆઇ હેઠળ પ્રાપ્ત દસ્તાવેજો દર્શાવે છે કે એરપોર્ટનો વિગતવાર પ્રી-ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને સ્થળને ઓપરેશનલ દૃષ્ટિએ અનુકૂળ જાહેર કરાયું છે.
આરટીઆઇ અનુસાર ભુજ તાલુકાના મોટા રણ વિસ્તારમાં રાજ્ય સરકારે એરપોર્ટ માટે 500 હેક્ટર જમીન ચિન્હિત કરી છે. આ જમીન સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના નામે તબદીલ કરવા કચ્છ-ભુજ કલેક્ટર સમક્ષ સત્તાવાર દરખાસ્ત મુકાઈ છે. એટલું જ નહીં ગત 19 ઓગસ્ટે પસંદ કરાયેલી જમીનની માપણી પણ પૂર્ણ કરી લેવાઈ છે. કન્સલ્ટન્ટ એજન્સી એરો સરવે પ્રા. લિ.ના રિપોર્ટ મુજબ સરકારે રણમાં કુલ 1920.10 એકર (આશરે 777 હેક્ટર)નું મોટું લેન્ડ પાર્સલ ઓળખ્યું હતું. તેમાંથી એરપોર્ટ ફેસિલિટી માટે 742.15 એકર અને એપ્રોચ રોડ માટે 9.75 એકર મળીને કુલ 751.90 એકર જમીનની ચોખ્ખી જરૂરિયાત આંકવામાં આવી છે.
મુંબઈ, દિલ્હી, અમદાવાદની સીધી ફ્લાઈટ શરૂ કરવા માગ
કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના પ્રતિનિધિમંડળે કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને કંડલા એરપોર્ટથી દેશનાં મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે સીધી હવાઈસેવા શરૂ કરવાની રજૂઆત કરી હતી. કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સોનમ નુરબૂ સાથે ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા, ઉપપ્રમુખ મહાદેવ રાજાણી, મંત્રી જિતેન્દ્ર જૈન (શેઠિયા) તથા કારોબારી સભ્યો નંદલાલ ગોયલ અને સતિષભાઈ અગ્રવાલે મુલાકાત કરી હતી.
ચેમ્બર પ્રતિનિધિ મંડળે કંડલા અને મુંદ્રા બંદરો, વિવિધ ઔદ્યોગિક એકમો તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રના ઝડપી વિકાસને કારણે ગાંધીધામ-કંડલા-મુંદ્રા પટ્ટો ગુજરાતના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. વધતી જતી વ્યાપારી પ્રવૃત્તિઓને પગલે ઉદ્યોગકારો, વેપારીઓ, રોકાણકારો અને સામાન્ય નાગરિકોની હવાઈ મુસાફરીની જરૂરિયાતમાં સતત વધારો થઈ રહ્યો છે. જો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ માટે સીધી ફ્લાઈટ શરૂ થાય તો કચ્છના વેપાર-ઉદ્યોગ અને આર્થિક વિકાસને નવો વેગ મળી શકે તેમ છે. ચેમ્બર દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા સંબંધિત એરલાઇન્સ સાથે સંકલન સાધી આ દિશામાં વહેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો.


comments powered by Disqus