ભાજપના આંતરિક ખટરાગ વચ્ચે સુમુલ ડેરીના એમડીનું રાજીનામું

Wednesday 25th November 2026 06:17 EST
 

બારડોલીઃ સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ ભાજપના આંતરિક ખટરાગમાં બદલાયેલાં રાજકીય સમીકરણો અને ડિરેક્ટરો વચ્ચે જૂથવાદમાં ખેંચતાણની સીધી અસર હવે ડેરીના વહીવટી માળખા પર જોવા મળી છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિને હજુ 11 મહિના જેટલો સમય બાકી હોવા છતાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. બે મહિના અગાઉ આપેલા રાજીનામાને બોર્ડ બેઠકમાં સત્તાવાર રીતે મંજૂરી આપી દેવાઈ હતી.
સોમવારે મળેલી નિયામક મંડળની બેઠકમાં એમડી અરુણ પુરોહિતે આપેલું રાજીનામું મંજૂર કરતાં તેઓ આગામી 30 નવેમ્બર સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવશે. ત્યારબાદ બારડોલી નાગરિક સહકારી બેન્કના એમડી ડો. પી.આર. પાંડેને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે.
શું છે આંતરિક ખટરાગ?
સુમુલ ડેરીમાં છેલ્લા દાયકાથી ભાજપનાં બે જૂથ પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલ અને પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે રાજકીય ખટરાગ હતો. ગત ચૂંટણીમાં ભાજપે માનસિંહ પટેલને મેન્ડેટ ન આપતાં એમના જૂથના મનાતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રાજુ પાઠક વચ્ચે રાજકીય ખટરાગ વધતાં પ્રમુખપદની ચૂંટણી પણ ભાજપ મોવડી મંડળે બે વખત મોકૂફ રખાવી હતી. બાદમાં પ્રમુખપદે ગુજરાત સરકારના માજી મંત્રી કાંતિ ગામિત અને ઉપપ્રમુખ પદે સિનિયર ડિરેક્ટર ભરતસિંહ સોલંકીની નિમણૂક કરી હતી. બંનેએ શાસન સંભાળ્યા બાદ પણ બંને જૂથ વચ્ચે ખટરાગ અને રાજકીય અણબનાવ બંધ ન થતાં છેવટે વહીવટી ફેરફારના ભાગરૂપે એમડી અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોય તેમ જણાય છે.


comments powered by Disqus