હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને અમદાવાદની એક યુવતીએ હોબાળો મચાવ્યો. ધારાસભ્યના વૃદ્ધ પિતા અને અન્ય મુલાકાતીઓ ઘરમાં હાજર હતા ત્યારે યુવતીએ બળજબરીથી પ્રવેશ મેળવી બૂમાબૂમ કરી હતી. એટલું જ નહીં ધારાસભ્યનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દેવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
અગાઉ પરમાર વિરુદ્ધ શારીરિક શોષણનો આક્ષેપ પણ થયો હતો. મળતી માહિતી મુજબ અગાઉના કેટલાક વિવાદો અને તે અંગે નોંધાયેલી ફરિયાદના સમાધાનના મુદ્દે યુવતી ધારાસભ્યના ઘરે પહોંચી હતી. ત્યાં તેણે અચાનક ઘરમાં પ્રવેશ કરીને હોબાળો શરૂ કર્યો હતો. વૃદ્ધ પિતા સહિત ઘરમાં હાજર લોકોની વચ્ચે થયેલા આ હંગામાથી વાતાવરણ તંગ બન્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. જો કે પોલીસની વાન સ્થળ પર પહોંચે તે પહેલાં જ યુવતી નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગઈ હતી. આ મામલે ગજેન્દ્રસિંહના પિતાએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુજબ આ સમગ્ર હંગામો અગાઉ થયેલા વિવાદો અને તે સંદર્ભે નોંધાયેલી ફરિયાદના સમાધાનના મુદ્દે કરવામાં આવ્યો હતો.

