નવી દિલ્હીઃ ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) પર 16 ડિસેમ્બરે હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ કરાર પરની વાટાઘાટો જાન્યુઆરીમાં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બંને પક્ષો હવે તેના પર ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલાં જરૂરી કાયદાકીય અને સંસ્થાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી રહ્યા છે.
યુરોપિયન કમિશને કરાર પર હસ્તાક્ષર કરવા અને તેને અંતિમ સ્વરૂપ આપવાની મંજૂરી મેળવવા માટે અંતિમ કાયદાકીય લખાણ (ટેક્સ્ટ) અને ટેરિફ શેડ્યૂલ સાથેના પ્રસ્તાવો કાઉન્સિલ ઓફ ધ યુરોપિયન યુનિયન સમક્ષ પહેલેથી જ રજૂ કરી દીધા છે. તાત્કાલિક કાર્ય હસ્તાક્ષર માટે કાઉન્સિલની મંજૂરી મેળવવાનું છે, જે ઔપચારિક સમારોહ માટેનો માર્ગ મોકળો કરશે.
આશા સેવવામાં આવી રહી છે કે વડાપ્રધાન મોદીની હવે પછીની યુરોપ મુલાકાત સમયે આ ઐતિહાસિક કરાર પર મહોર વાગી શકે છે. આ સમજૂતીથી ભારતની લગભગ 93 ટકા નિકાસને યુરોપિયન બજારમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે, જેનાથી ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, લેધર, ફૂટવેર, જેમ એન્ડ જ્વેલરી, દરિયાઈ ઉત્પાદનો, હસ્તકલા અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોની નિકાસમાં મોટો ઉછાળો આવશે. આ સિવાય સ્થાનિક બજારમાં યુરોપિયન વસ્તુઓ સસ્તી થશે.
