મોડાસાઃ ભિલોડાના પાદરાની સીમમાં હાથમતી નદી નજીકથી 9 દિવસ પહેલાં મળેલી સળગેલી કાર અને માનવ કંકાલનો ભેદ LCB અને ભિલોડા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચકચારી હત્યાકાંડમાં ચિઠોડા પોલીસ સ્ટેશનનાં મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબહેન કલાસવાએ જ પોતાના સાથી ASI અશ્વિનભાઇ તબિયાડની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, પરંતુ આલ્ફાબહેન સંબંધ આગળ વધારવા માગતાં નહોતાં, છતાં ASI સતત દબાણ કરતા હોવાથી કંટાળીને આલ્ફાબહેને તેમને પોતાના ભાડાના મકાને બોલાવી પતાવી દીધા હતા. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા સગા ભાઈ કલ્પેશ, પિતરાઈ ભાઈ પંકજ અને મિત્ર મનોજ નિનામાની મદદથી લાશને કારમાં મૂકી પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. પોલીસે ચારેય આરોપીને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આરોપીઓમાં આલ્ફાબહેન કલાસવા - હેડ કોન્સ્ટેબલ, તેનો ભાઈ કલ્પેશ કલાસવા, પિતરાઈ પંકજ કલાસવા અને એક મિત્રનો સમાવેશ થાય છે.
જિલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવની ગંભીરતાને લઈને SP મનોહરસિંહ જાડેજા અને DySP જે.ડી. વાઘેલાની સૂચનાથી LCB PI એમ.એચ. ઝાલા અને ભિલોડા PI એમ.આર. સંગાડાએ અલગ-અલગ પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, મૃતક ASI ના પરિવારજનોએ પણ આ લાશ અશ્વિનભાઈની હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે DNA સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

