માર્ગ અકસ્માતમાં કચ્છના પ્રવાસે આવેલા 7 લોકોનાં મોત

Wednesday 25th November 2026 06:10 EST
 

ભુજઃ ખાવડા હાઇવે પર વેકરિયાના રણ વિસ્તારમાં શનિવારે રાત્રે સાડા નવ વાગ્યે ઉત્તરાખંડ પાસિંગની કાર અને સામેથી આવતા ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં કારનો બુકડો બોલી જતાં કચ્છ ફરવા આવેલા ઉત્તરાખંડના આર્મી પરિવારનાં 3 બાળકો, 2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. પોલીસ કાફલો અને આર્મીના અધિકારીઓ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પીએમ મોદીએ મૃતકોને રૂ. 2-2 લાખની સહાય જાહેર કરી છે.
આ ગમખ્વાર અકસ્માતમાં 3 પરિવારના સભ્યોનાં મોત નીપજ્યાં છે, જેમાં પતિ-પત્ની અને તેમની 3 માસની બાળકી, પિતા-પુત્રી તેમજ માતા-પુત્રી સામેલ છે. મૃતકોમાં મૂળ ઉત્તરાખંડના આર્મીમેન સૌરવસિંહ નેગી, સવિતા સૌરવસિંહ નેગી, સિવિકા નેગી, રિન્કી ગુંસાઈ, વામિકા ગુંસાઈ, રાજેશ રાવત અને રક્ષિતા રાવતનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલો માટે રૂ. 2-2 લાખની નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી.


comments powered by Disqus