વડતાલ મંદિરના 2 સાધુ સામે રૂ. 1.25 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ

Wednesday 25th November 2026 05:57 EST
 

રાજકોટઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજકોટ મંદિરના બે સાધુ સામે રૂ. 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી અને ફરિયાદી નરસિંહભાઈ વાઢેર મીડિયા સામે આવ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી હતી. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2020માં ડાકોર ખાતે મંદિર બનાવવા જમીનમાં રોકાણ કરવાના નામે તેમની પાસેથી નાણાં લેવામાં આવ્યાં હતાં.
નરસિંહભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, ચિંતનભાઈ નામના તેમના મિત્રએ તેમને કહ્યું હતું કે, વડતાલ તાબાના સ્વામીઓ ડાકોર ખાતે મંદિર બનાવવા માગે છે. જમીનમાં રોકાણ કરવાથી સારો ભાવ અને નાણાંનું સારું વળતર મળશે. આ અંગે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા મંદિરમાં બેઠક પણ યોજાઈ હતી.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેઓ લાલજીભાઈ, ચિંતનભાઈ સહિતના લોકો સાથે ડાકોર ખાતે મંદિર માટેની જમીન જોવા ગયા હતા. જમીનના મામલે ખેડૂત સાથે પણ બેઠક કરાઈ હતી. આ દરમિયાન જમીનના દસ્તાવેજો અને સમજૂતી કરાર સહિતના કાગળો તૈયાર કરાયા હતા.
નરસિંહભાઈના કહેવા પ્રમાણે, શરૂઆતમાં રૂ. 1 લાખ અને ત્યારબાદ રૂ. 1.24 કરોડ રોકડા અપાયા હતા. આ વ્યવહારમાં ડી.પી. સ્વામી, ચિંતનભાઈ અને માધવસ્વામી સહિતના લોકો હાજર હતા. આફ્રિકાથી મોટું દાન આવવાનું હોવાનું કહીને મંદિરના કામ માટે વધુ નાણાં આપવાની વાત પણ કરાઈ હતી. નરશીભાઈએ દાવો કર્યો હતો કે આ લોકોનું એક જૂથ ટ્રક કે ગાડી નીચે કચડી નાખવાની ધમકી આપી રહ્યું છે.
કમિશનની લાલચ આપી હતી
નરસિંહભાઈએ કહ્યું કે, મંદિરના નકશા તથા પ્લાન બતાવી માધવપ્રીય સ્વામીએ અમને વાત કરી કે, અમારે મંદિર બનાવવા આફ્રિકાથી મોટું દાન આવવાનું છે, પરંતુ ચિન્હિત જમીન સીધા ખેડૂત પાસેથી ખરીદશું તો સગાંસંબંધીઓના વાંધા રજૂ કરી વધારે રૂપિયા લેશે. તેના બદલે જો તમે આ જમીન ખરીદી રોકાણ કરશો અને તમારા નામે સાટાખત કરશો તો અમે તમને જમીનના રૂપિયા તથા તેના ઉપર સારું કમિશન આપીશું.


comments powered by Disqus