ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાથ ધરેલા પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને સામાજિક સમરસતાનાં કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુજરાત ભાજપના સ્નેહમિલન સમારોહના વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે જણાવ્યું કે, એક સજ્જન સમાજસેવી ગવર્નર પદની ગરિમા કેવી રીતે વધારે અને ગુજરાતના તાણાવાણા સાથે સહજતાથી ભળી જાય તેનું ઉત્તમ ઉદાહરણ આચાર્ય દેવવ્રતે પૂરું પાડ્યું છે. મોદીએ કરેલી પ્રશંસા બાદ ગુજરાતને ગમેત્યારે નવા રાજ્યપાલ મળી શકે તેવી ચર્ચાએ ભાજપનાં વર્તુળોમાં જોર પકડ્યું છે. રાજ્યપાલે કહ્યું કે, પીએમ મોદીનું માર્ગદર્શન નવી ઊર્જા આપે છે.

