અમરેલીઃ સાાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મિલીપેડ એટલે કે ‘કાંઉસી ઈયળ’ના અસહ્ય ઉપદ્રવે ગ્રામજનોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા, નાનુડી ભાડ સહિતનાં અનેક ગામોમાં લાખો-કરોડોની સંખ્યામાં જોવા મળતા મિલીપેડ હવે માત્ર ખેતર કે ખુલ્લી જમીન પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ સીધા ગ્રામજનોનાં ઘરોમાં ઘૂસી ગયા છે. દીવાલો, છત, નળિયાં અને ઘરવખરી પર મિલીપેડની ફોજે કબજો જમાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લાં ચાર વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં મિલીપેડનો ઉપદ્રવ જોવા મળતાં હવે ગ્રામજનોમાં ચિંતા અને રોષ બંને વધી રહ્યાં છે. ઘરમાં પગ મૂકતા પહેલાં જમીન જોવી પડે અને બેસવા કે જમવા પહેલાં જગ્યા સાફ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે, કેટલાક પરિવારોને ઘરમાં નીચે બેસીને જમવું પણ મુશ્કેલ બની ગયું છે. મિલીપેડથી બચવા માટે ગ્રામજનો ખાટલા ઉપર બેસીને જમવા મજબૂર બન્યા છે. ખાદ્યસામગ્રી, અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ જમીનથી ઊંચાઈ પર રાખવી પડે છે. ઘરની અંદર એક જગ્યાએ મિલીપેડ દૂર કરો તો બીજી જગ્યાએથી તેની ફોજ હાજર થઈ જાય છે. દીવાલો અને છત પર સરકતા મિલીપેડથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ છે. આ મુશ્કેલીથી રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓ પણ મુશ્કેલ બની છે. આ સમસ્યા પાછળનું મૂળ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક નિષ્કર્ષ સામે આવ્યો નથી.

