ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, અમેરિકા પ્રવાસના સાતમા દિવસે ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને જણાવ્યું હતું કે, દેશના કુલ વિસ્તારનો આશરે 6 ટકા અને વસ્તીનો આશરે 5 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના GDPમાં 8.2 ટકા જેટલું યોગદાન આપે છે. આ યોગદાનને વર્ષ 2030 સુધીમાં 10 ટકાથી વધુ પહોંચાડવાનું લક્ષ્ય છે. ગુજરાતે વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્યએ વિશેષ રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરીને દરેક ઝોનના સંભવિત ફોકસ સેક્ટર, વૃદ્ધિની સંભાવના અને લાંબાગાળાના વિકાસલક્ષી લક્ષ્યાંકો નક્કી કરાયા છે. આ રોડમેપને હવે જમીન પર ઉતારવાની દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે.
અમેરિકા બાદ કેનેડા પહોંચેલા મુખ્યમંત્રીએ કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. આ તકે કહ્યું હતું કે, કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં રોકાણો માટે આવવું જોઈએ.

