ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ બ્રહ્મલીન થયા

Wednesday 26th August 2026 06:08 EDT
 
 

ઉમરેઠઃ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરના પંચમ મહંત ગણેશદાસજી મહારાજે વર્ષ 1986થી 2026 સુધી મંદિરની ગાદી પર બિરાજમાન રહીને ઉમરેઠ તથા સમગ્ર ચરોતર પંથકમાં ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ આપી હતી, જેમનું ટૂંકી માંદગી બાદ 22 ઓગસ્ટ 2026ના રોજ દેવલોક ગમન થયું છે. તેમના દેવલોક થવાથી ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી છે.
બ્રહ્મલીન મહંત પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજની સમાધિ વિધિ સંતરામ મંદિરમાં સંપન્ન થઈ હતી. મહારાજની ઇચ્છા અનુસાર તેમને મંદિર પરિસરમાં આવેલા તુલસીક્યારા નીચે સમાધિ અપાઈ હતી. સમાધિ વિધિ દરમિયાન મહારાજને પ્રિય એવી વિવિધ વસ્તુઓ પણ સમાધિમાં મૂકવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે આસપાસનાં ગામોથી મોટી સંખ્યામાં ભક્તજનો અને વિવિધ ભજનમંડળીઓ ઉપસ્થિત રહી હતી.
સંતની વિદાયને પગલે 23 ઓગસ્ટે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં વિશેષ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ, જેમાં ઉમરેઠ સંતરામ મંદિરના નવનિયુક્ત મહંત નિર્ગુણદાસજી મહારાજ, અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ઉમરેઠ બ્રહ્માકુમારી કેન્દ્રનાં સંચાલિકા બ્રહ્માકુમારી નીતા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમરેઠના વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.


comments powered by Disqus