નવી દિલ્હીઃ સંસદીય સંયુક્ત સમિતિ (JPC) હાલ વન નેશન-વન ઇલેક્શન અંગે વિચાર કરી રહી છે, જેના ભાગરૂપે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. આ દરમિયાન સમાચાર છે કે એનડીએ જે દેશનાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુમતી ધરાવે છે, ત્યાં 2034ના બદલે 2029માં પહેલીવાર એકસાથે ચૂંટણી કરાવવા પર વિચાર કરી રહ્યું છે.
વર્તમાન બિલોની સમય મર્યાદા મુજબ આ વ્યવસ્થા પહેલીવાર 2034માં લાગુ થવાની છે. અહેવાલો અનુસાર તેના માટે એનડીએ આ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાને કાર્યકાળ પહેલાં જ ભંગ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. સૂત્રો મુજબ એનડીએ શાસિત 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી 11માં આગામી બે વર્ષ દરમિયાન, એટલે કે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તો ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીઓ પહેલેથી જ લોકસભા ચૂંટણીઓ સાથે યોજાય છે. આ ચારેય રાજ્યોમાં હાલમાં એનડીએની સરકાર છે.
ડિસેમ્બર 2024માં રચાયેલી સંસદીય સંયુક્ત સમિતિને તે બિલ પર વિચાર કરવાની જવાબદારી સોંપાઈ છે, જેના દ્વારા લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો રસ્તો તૈયાર કરવાનો છે. વર્તમાન પ્રસ્તાવ મુજબ આ વ્યવસ્થા 2034માં લાગુ થશે. સમિતિ છેલ્લા કેટલાક સમયથી રાજ્યોની મુલાકાત લઈ રહી છે. અપેક્ષા છે કે સમિતિ આ વર્ષના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ સોંપી દેશે.
એનડીએ રાજ્યોમાં પોતાની સરકાર જાળવી રાખે તે જરૂરી
સૂત્રોના જણાવ્યા મુજબ જો એનડીએ આગામી બે વર્ષ દરમિયાન આ તમામ રાજ્યોમાં પોતાની સરકારો જાળવી રાખે છે, તો 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાને જાન્યુઆરી 2029 સુધીમાં ભંગ કરી શકાય છે. આવું સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી અને તેમના મંત્રી પરિષદની સલાહ પર રાજ્યપાલ કરી શકે છે. ઉપરાંત જો કોઈ સરકારની બહુમતી સમાપ્ત થઈ જાય તો પણ વિધાનસભા ભંગ કરી શકાય છે. વિધાનસભા ભંગ થયા બાદ જનપ્રતિનિધિત્વ અધિનિયમ - 1950 હેઠળ ચૂંટણીપંચે 6 મહિનાની અંદર ચૂંટણી કરાવવાની હોય છે.
વિપક્ષ શાસિત રાજ્યોના શું હાલ?
બીજી તરફ જે વિપક્ષ શાસિત રાજ્યોમાં 2029ની લોકસભા ચૂંટણી પહેલાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમાં પંજાબની ચૂંટણી 2027માં અને હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મિઝોરમ અને તેલંગાણાની ચૂંટણી 2028માં યોજાવાની છે. મતલબ કે આ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી પછી 2029માં લોકસભા ચૂંટણીઓ થશે, ત્યારે તેમની વિધાનસભાનો કાર્યકાળ લગભગ ત્રણથી ચાર વર્ષ વધુ બચ્યો હશે. ઉલ્લેખનીય છે કે, એક દેશ એક ચૂંટણી મુદ્દે વિપક્ષ સહમત નથી અને તેથી આ મુદ્દે વિવાદ થઈ શકે છે.
