કોડીનારઃ ગુજરાત સેમિકંડક્ટર સેક્ટરની ઇકોસિસ્ટમ ઊભી કરવામાં હરણફાળ ભરી રહ્યું છે, તેમ હવે સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે આગામી દશકામાં ગુજરાત દેશનું સર્વોચ્ચ રાજ્ય બને એ માટે જાહેર કરાયેલી સ્પેસ ટેક અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને પગલે રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ સુવિધા ઊભી કરાઈ છે, ત્યારે આગામી સમયમાં ભારત સરકાર, સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ ઇસરો, રાજ્ય સરકારે સંયુક્ત પ્રયાસોથી ગુજરાતના કોડીનાર ખાતે એક નવું સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
હાલ દેશમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં પુલકીટ નજીક આવેલું ગામ શ્રીહરિકોટા ઇસરોના સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતું છે. જે એક ટાપુ પર વસેલું છે. અહીં સતિષ ધવન અવકાશ કેન્દ્ર આવેલું છે, જ્યાંથી ભારતે પોતાના ઘણા ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે. શ્રીહરિકોટા પુલીકટ સરોવર અને બંગાળની ખાડી વચ્ચે છે. જો કે, અહીંથી અવકાશમાં છોડાતા ઉપગ્રહો સીધા જ અવકાશમાં જતા નથી, તેના ભૌગોલિક સ્થાનના કારણે તેને કર્વ લઈને અવકાશ તરફ ગતિ કરવી પડે છે, આને કારણે લોન્ચિંગ રોકેટને વધારે પાવરની જરૂર રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી ઇસરો દ્વારા દેશનાં વિવિધ લોકેશન માટે શોધખોળ કરાતી હતી, એમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેનું લોકેશન યોગ્ય જણાયું છે. આ વ્યૂહાત્મક લોકેશન સંદર્ભે હવે લોન્ચિંગ સ્ટેશન માટે આવશ્યક જમીનને સંપાદન કરવા કલેક્ટરને સૂચના અપાઈ છે.
દરમિયાન શુક્રવારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનમોઢવાડિયાએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નો આરંભ કરાવ્યો હતો. 23 ઓગસ્ટે ‘રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ’ને કેન્દ્રમાં રાખીને ફેસ્ટનું આયોજન કરાયું. આ ફેસ્ટિવલમાં રાજ્યભરથી અંદાજિત 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા. અહીં ઇસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) તેમજ રાજ્ય અને દેશભરથી અંતરીક્ષ ક્ષેત્રે કાર્યરત્ 50 સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સના સંયુક્ત સહયોગથી વિજ્ઞાન પ્રદર્શન પણ ખુલ્લું મુકાયુંું હતું. મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાત આજે સ્પેસ ટેક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. અમદાવાદમાં ‘ઇન-સ્પેસ’નું હેડક્વાટર છે, જ્યારે કોડીનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

