અમદાવાદઃ ચોમાસાના 85 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 35.79 ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધી સરેરાશ 21.52 ઇંચ વરસાદ થવો જોઈએ. તેની સામે સિઝનનો સરેરાશ 26.89 (75%) વરસાદ થયો છે. એટલે કે જરૂરિયાત કરતાં 5.37 ઇંચ વધુ વરસાદ મળી ચૂક્યો છે. જો કે વરસાદનું આ સારું ચિત્ર માત્ર 4 જિલ્લા અને 46 તાલુકાને જ આભારી છે. વાસ્તવમાં ગુજરાતના 34 પૈકી 23 જિલ્લામાં હજુ વરસાદની મોટી અછત વર્તાઈ રહી છે. 24 ઓગસ્ટની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાની હાલત સૌથી ખરાબ છે. આ ચારેય જિલ્લામાં હજુ સિઝનનો 30 ટકાથી વધુ વરસાદ થયો નથી. રાજ્યમાં હજુ પણ 10 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકામાં 15 મિ.મી., કલ્યાણપુરમાં 33 મિ.મી. અને અબડાસામાં 47 મિ.મી. જ વરસાદ પડ્યો છે.
આ સ્થિતિના પગલે સોથી મોટું જોખમ મગફળી અને કપાસના ખરીફ પાક પર છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ અને વરસાદની ભારે અછત ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો માત્ર 2.13 ઇંચ એટલે કે 12.6 ટકા વરસાદ થયો છે. પોરબંદરમાં અહીં સિઝનનો સામાન્ય ગણાતા 21.06 ઇંચની સામે માત્ર 6.05 ઇંચ જ વરસાદ પડ્યો છે. જામનગરમાં 19.24 ઇંચ વરસાદની જરૂરિયાત સામે માત્ર 8.50 ઇંચ જ વરસાદ પડ્યો છે. એટલે કે આખા ચોમાસાના કુલ સામાન્ય વરસાદની સરખામણીએ અત્યાર સુધી અહીં માત્ર 28.88 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 12.04 ઇંચ વરસાદની જરૂરિયાત સામે માત્ર 5.76 ઇંચ જ વરસાદ પડ્યો છે. એટલે કે અપેક્ષિત વરસાદના માત્ર 47.9% વરસાદ થયો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો આગામી સમયમાં પૂરતો વરસાદ નહીં થાય તો ખેડૂતો અને પશુપાલકો માટે મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે. ઓછા વરસાદની સ્થિતિમાં સૌથી વધુ અસર મગફળી અને કપાસને થવાની શક્યતા છે. મગફળીમાં હાલ શીંગ બનવા અને દાણા ભરાવાનો તબક્કો મહત્ત્વનો હોવાથી જમીનમાં પૂરતી ભેજ નહીં રહે તો દાણાનું કદ અને ઉત્પાદન બંને ઘટી શકે છે.
