શ્રીનગરઃ અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી. આ યાત્રા દરમિયાન તેમણે બુધવારે શ્રીનગરમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો ખૂબ મહત્ત્વનો વિસ્તાર છે. ભારતની લાંબા સમયથી ચાલતી સ્થિતિ પર અમેરિકન રાજદૂતના આ નિવેદનને મજબૂત સમર્થન માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370 હટ્યા બાદ અને હાલની સુરક્ષા ઘટનાઓ બાદ કોઈપણ અમેરિકન રાજદૂતનો આ પ્રથમ કાશ્મીર પ્રવાસ હતો.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે બેઠક
શ્રીનગર પહોંચ્યા બાદ અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને વચ્ચે ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. સોશિયલ મીડિયા પર માહિતી સાર્વજનિક કરતાં સર્જિયોએ કહ્યું કે, આ બેઠકનું મુખ્ય કેન્દ્ર કાશ્મીરના વિકાસ સાથે જોડાયેલા અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનું છે. બેઠકમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાના અવસરો પર પણ ચર્ચા થઈ. અમેરિકન રાજદૂતનો આ કાશ્મીર પ્રવાસ કૂટનીતિક રૂપે ખૂબ ખાસ મનાય છે. સર્જિયોએ કહ્યું કે, અહીં આવી ખૂબ મજા આવી. આ ભારતનું અભિન્ન અંગ છે. હું અહીં પ્રથમ વખત આવ્યો છું, આ ખૂબ સુંદર જગ્યા છે. આ સ્થળને જોઈને હું ખૂબ ઉત્સાહિત છું.
પાકિસ્તાનને કૂટનીતિક રીતે ફટકો
પાક. લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને માનવાધિકારો મુદ્દે ભારત વિરુદ્ધ નકારાત્મક માહોલ બનાવવાના પ્રયાસો કરતું આવ્યું છે. જોકે હવે અમેરિકા જમ્મુ-કાશ્મીરના સુરક્ષા માહોલમાં સુધારાનો સ્વીકાર અને પોતાની ટ્રાવેલ એડવાઇઝરી ડાઉનગ્રેડ કરવાનો સંકેત પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય દુષ્પ્રચારનો દેખીતી રીતે છેદ ઊડાવે છે. અમેરિકા જેવી વૈશ્વિક મહાસત્તા દ્વારા જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત અને પર્યટન માટે અનુકૂળ માનવું ભારતના વલણ પર વૈશ્વિક મહોરસમાન છે.
દુનિયાનાં મુખ્ય દેશો હવે જમ્મુ-કાશ્મીરને ભારતના અન્ય પ્રગતિશીલ ભાગોની જેમ જ જોઈ રહ્યા છે, જેના કારણે પાકિસ્તાન કૂટનીતિક રીતે એકલું પડી ગયું છે તેમજ તેના એ એજન્ડાને મોટો ફટકો પડ્યો છે. જે અંતર્ગત તે આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ અને આંતરરાષ્ટ્રીય પર્યટનને હતોત્સાહ કરવાના પ્રયાસો કરતું આવ્યું છે.

