જમ્મુ-કાશ્મીરમાં રહેતા પંડિતોને ટાર્ગેટ બનાવવા આતંકીઓની ધમકી

Wednesday 26th August 2026 06:07 EDT
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવવા આતંકીઓ દ્વારા ધમકીભર્યો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો છે. આ પત્રમાં જુદાજુદા વિસ્તારોમાં રહેતા કેટલાક કાશ્મીર પંડિતોનાં સરનામા, વાહનોનાં નંબર અને ફોન નંબર પણ લખવામાં આવ્યા છે. પત્ર વાઈરલ થયા પછી કાશ્મીરી પંડિતોમાં ડર અને ચિંતા જાગી છે. સુરક્ષા એજન્સીઓએ આ વાતને ગંભીરતાથી લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કર્યો છે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં પણ આતંકીઓ દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં જ્યારે શાંતિ સ્થપાઈ છે, ત્યારે કેટલાક આતંકીઓ ત્યાં ફરી હિંસાની હોળી સળગવવા ધમકી આપી રહ્યા છે. યુનાઈટેડ લિબરેશન કાઉન્સિલ દ્વારા આ પત્ર વાઈરલ કરાયો છે.
પત્રમાં 8-10 કાશ્મીરી પંડિતોનાં નામ સાથે મકાન નંબર અને ગલીનું સરનામું લખવામાં આવેલું હિટ લિસ્ટ જાહેર કરાયું છે. પત્રમાં કાશ્મીરી પંડિતોને વ્હાઈટ કોલર આતંકવાદી ગણાવાયા છે અને તેઓ દિલ્હીમાં બેઠેલા તેમના આકાઓ માટે કામ કરનાર ગદ્દારો હોવાનું જણાવવામાં આવ્યું છે. કાશ્મીરી પંડિતોની તમામ હિલચાલ પર ચાંપતી નજર રખાઈ રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આતંકીઓ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો કે જેઓ સરકારની યોજના હેઠળ પાછા કાશ્મીરમાં રહેવા આવ્યા છે તેમને ટાર્ગેટ બનાવવા માગે છે.
વંધામા નરસંહારની ફાઈલ 28 વર્ષે ફરી ખૂલી
કાશ્મીરી જમ્મુ-કાશ્મીરમાં પંડિતોના 28 વર્ષ પહેલા થયેલા નરસંહારની ફાઈલ ફરીવાર ખૂલી છે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરની તપાસ એજન્સી એસઆઈએ દ્વારા 1998માં થયેલા વંધામા નરસંહારની તપાસ ફરીવાર શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 1998માં આતંકવાદીઓએ કાશ્મીરના ગંદરબાલ જિલ્લાના વંધામા ગામમાં 23 કાશ્મીરી પંડિતોની નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓને પણ નિશાન બનાવ્યા હતા. અહેવાલો અનુસાર સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કાશ્મીર ખીણમાં પંડિતોના ટાર્ગેટ કિલિંગના કેસોમાં પોતાની તપાસ ફરીવાર ઝડપી બનાવી છે.


comments powered by Disqus