ભુજઃ કચ્છના ધોળાવીરાની 4,500 વર્ષથી વધુ જૂની પથ્થરની શિલ્પકૃતિ ફરી ચર્ચામાં આવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે ધોળાવીરાથી મળેલી વિશાળ બેઠેલી પુરુષ પ્રતિમાને ‘સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની સમગ્ર વિસ્તૃત ભૂમિમાંથી જાણીતી સૌથી મોટી પથ્થરની શિલ્પકૃતિ’ તરીકે રજૂ કરી છે. મંત્રાલયે પ્રતિમાની તસવીર સાથે કરેલી રજૂઆતમાં ધોળાવીરાને સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના શ્રેષ્ઠ નગરકેન્દ્રો પૈકી એક ગણાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ શિલ્પકૃતિ 4,500 વર્ષથી વધુ જૂની વિકસિત પથ્થર કોતરણીની કલાત્મક પરંપરાનો પુરાવો છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે પણ આ શિલ્પકૃતિના મહત્ત્વને રેખાંકિત કર્યું છે. પુરાતત્ત્વ સર્વેક્ષણના જણાવ્યા પ્રમાણે 4,500 વર્ષથી વધુ પહેલાં ધોળાવીરાના કારીગરોએ પથ્થરને એક નોંધપાત્ર કલાત્મક કૃતિમાં પરિવર્તિત કર્યો હતો. બેઠેલી પુરુષ આકૃતિના હાથ ઘૂંટણ પર રાખી બેઠેલી સ્થિતિમાં છે. તેનો આધાર સપાટ છે. બંને હાથ ઘૂંટણ પર રાખેલા છે અને બંને ઘૂંટણ ઊંચા તથા એકબીજાથી અલગ રખાયા છે, જેચૂનાયુક્ત રેતપથ્થરથી બનાવાઈ હતી. શિલ્પમાં માનવ શરીરને વાસ્તવિક સ્વરૂપ આપવાનો પ્રયાસ જોવા મળે છે. શિલ્પ સંપૂર્ણ સ્થિતિમાં નથી. માથા સહિતના કેટલાક ભાગો અખંડ ન હોવાથી તેનું મૂળ સંપૂર્ણ સ્વરૂપ આજે જાણી શકાય તેમ નથી.

