નખત્રાણાઃ કોટડા (જ) જવાના માર્ગ પર સંતકૃપા હોટેલ પાછળ આવેલા એક ભંગાર વાડામાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, મૃતકોના શરીરના ચિંથરા ઊડી જઈને દૂરદૂર જઈ પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ 30 વર્ષીય મામદ ઈલિયાસ કુંભાર અને તેમનો 26 વર્ષીય નાનો ભાઈ નૂરમામદ ઈલિયાસ કુંભાર મિની લોડિંગ ટેમ્પોમાં ભંગારની ફેરીનો ધંધો કરતા હતા. તેઓ ગામમાં ફેરી કરીને એકઠો કરેલો ભંગાર પોતાના વાડા પર લાવ્યા હતા, જેને ખાલી કરતાં અચાનક ગાડીમાં ડીઝલની ટાંકીમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ગોઝારા વિસ્ફોટમાં બંને ભાઈઓ સાથે ગાડી નજીક ઊભેલાં તેમના બે માસૂમ બાળકો 3 વર્ષીય હસનેન મામદ કુંભાર અને નૂર ફાતિમા નૂરમામદનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા ડીઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયાનું માનવામાં આવે છે, ત્યારે આર્મીનો ભંગાર હતો કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. કચ્છમાં ભૂતકાળમાં પણ ભંગાર વાડાઓમાં લશ્કરના વણફૂટેલા મોર્ટાર સેલ્સને તોડવા જતાં આ પ્રકારના પ્રચંડ વિસ્ફોટમાં જાનહાનિ થઈ ચૂકી છે, જેથી પોલીસે આ પાસાને પણ ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.
