બારડોલીઃ સુરતના બારડોલી ખાતેની એશિયામાં સૌથી વધુ શેરડી પિલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 10 વર્ષથી શાસનમાં બેઠેલા સહકાર પેનલનો પરાજય થયો છે અને કિસાન પરિવર્તન પેનલનો વિજય થયો છે. સહકાર પેનલની એક બેઠક બિનહરીફ થયા બાદના મતદાનમાં સહકાર પેનલના ઉમેદવારની હાર થઈ છે.
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બાબાેન બારડોલી (બારડોલી સુગર)ની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ઉમેદવારી કરવા સમયે 10 વર્ષથી સત્તા સંભાળતા સહકાર પેનલના કર્ણધાર સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પટેલ (બાબેન) સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને માજી કેબિનેટ મંત્રી એવા બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત ડિરેક્ટરોએ ઉમેદવારી નોંધાવી હતી. સહકારી મંડળી પ્રતિનિધિની બેઠક પર અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 14 બેઠક માટે શાસકોની સહકાર પેનલની સામે કિસાન પરિવર્તન પેનલે કર્ણધાર મૂકેશચંદ્ર નગીનભાઈ પટેલ (બગુમરા)ના નેતૃત્વ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 14 બેઠક માટે કુલ 29 ઉમેદવારો વચ્ચે ગત રવિવારે સરેરાશ 43.83 ટકા મતદાન યોજાયું હતું. મંગળવારે અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ થતાં શરૂઆતના રાઉન્ડમાં જ 14 મતપત્રકો છૂટા પાડવા સમયે જ પરિવર્તન પેનલના ટ્રેક્ટરના નિશાન પર સૌથી વધુ મતો મળવાનાં એંધાણ મળ્યાં હતાં. મતગણતરી શરૂ થતાં પ્રથમ મોટા ઝોનમાં જ સહકાર પેનલના કર્ણધાર એવા ભાજપ અગ્રણી ભાવેશ પટેલનો 323 મતે પરાજય થયો હતો. કર્ણધારની હાર બાદ સૌથી મોટો અપસેટ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની 263 મતથી પરાજયનો હતો. જ્યારે ભાજપના બારડોલીના ધારાસભ્ય ઈશ્વર (અનિલ) પરમારનો વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા કોંગ્રેસના તરુણ વાઘેલા સામે 542 મતથી પરાજય થયો હતો. મતગણતરી સ્થળેથી પરાજિત તમામ ઉમેદવારો એકસાથે નીકળ્યા હતા. તે સમયે કિસાન પરિવર્તન પેનલના સમર્થકોનાં ટોળાં ઊમટી પડ્યાં હોઈ હુરીયો બોલાવી પરાજિત સહકાર પેનલના ઉમેદવારોને ધક્કામુક્કી કરી હતી.
બારડોલી સુગર ફેક્ટરીમાં જ નોકરી કરીને 20 વર્ષથી અમેરિકા ગયેલા વિનોદચંદ્ર પટેલે પરિવર્તન પેનલમાં બારડોલી બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. જે ગત ચૂંટણીમાં પરિવર્તન પેનલથી વિજેતા બનેલા અને હાલમાં સહકાર પેનલમાંથી ઉમેદવારી કરનાર ગિરીશ પટેલ સામે 403 મતથી વિજેતા બન્યા હતા. ઉપરાંત બારડોલી સુગરની ચૂંટણીમાં વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદોની દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ મહત્ત્વની ભૂમિકા રહી હતી.
બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 10 વર્ષથી સત્તાસ્થાને બેઠેલા ભાજપ આગેવાન ભાવેશ પટેલ ઉમેદવારોની પસંદગીમાં અને ચૂંટણી પ્રચારમાં વિરોધીઓ દ્વારા કરાયેલા આક્ષેપોનો સભાસદોને સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. સભાસદોમાં અને સોશિયલ મીડિયામાં પહેલા અને છેલ્લાને કાપો એવી નીતિથી થયેલો પ્રચાર સહકાર પેનલની હારમાં પરિવર્તિત થયો હતો.
