ભાવનગરઃ શહેરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 13 વ્યક્તિનાં મોત થયાં, જ્યારે 5 ગામના 46થી વધુ લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ 18 ઓગસ્ટે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ બાદ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ને તપાસ સોંપી હતી. ત્યાર બાદ એસપી મયૂરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા હતા. એસપી નિતેશ પાંડેયએ આ મામલે ગૃહવિભાગને અંધારામાં રાખતાં પોલીસવડાએ તેની ગંભીર નોંધ લીધી હતી. નકલી દારૂ મામલે રાત્રે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે BNSની તથા પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
કેવી રીતે તૈયાર થયો નકલી વિદેશી દારૂ?
ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશથી આવેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સારસ, ગણેશ અને અમને મિથેનોલયુક્ત દારૂ બનાવ્યો. મુખ્ય આરોપી રઈશ, ઝુબેર અને ગૌતમ સોલંકી અમદાવાદથી લિક્વિડ, ખાલી બોટલો, ઢાંકણાં, રોયલ સ્ટેગ બ્રાન્ડનાં સ્ટિકર્સ અને મિથેનોલ લાવ્યા હતા. આ ઝેરી કેમિકલને ઈંગ્લિશ દારૂ તરીકે બતાવવા બોટલ પર બ્રાન્ડનું ખોટું અને બનાવટી સ્ટિકર ચોંટાડ્યું હતું.
ઝેરી દારૂ બનાવનારનું જ મોત
મિથેનોલયુક્ત દારૂ બનાવનારા નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મિથેનોલ મોકલનારાની જેલથી ધરપકડ
માનવસર્જિત લઠ્ઠાકાંડ માટે કારણભૂત મિથેનોલ કેમિકલ મધ્યપ્રદેશથી મોકલનારા આનંદ છાંડીની મધ્યપ્રદેશની જેલથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરાઈ છે. ભાવનગરમાં દારૂ બનાવવા માટે બે બેરલ મિથેનોલ મધ્યપ્રદેશથી મોકલાયું હતું. મિથેનોલ મોકલનાર શખ્સ પકડાતાં આ પ્રતિબંધિત કેમિકલ ત્યાંથી ખરીદવામાં આવ્યું તે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ કરી રહી છે. મિથેનોલ મોકલનાર આનંદ છાંડી ઉપરાંત દારૂ વેચનાર અન્ય 12 શખ્સો મળી વધુ 13ની ધરપકડ કરી તમામને 10 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે.

