ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાઃ ભૂગર્ભ ટાંકી બની પણ નહોતી અને રૂ.50 લાખનું બિલ પાસ!

Wednesday 26th August 2026 06:08 EDT
 

પાલિતાણાઃ સરકારી સિસ્ટમમાં બેઠેલા બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર કઈ હદે પહોંચી શકે છે તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પાલિતાણા હોસ્પિટલમાં સામે આવ્યો છે. અહીં 2.55 લાખ લિટરની ભૂગર્ભ પાણીની ટાંકી માત્રને માત્ર કાગળ પર જ બનાવી દેવાઈ. આશ્ચર્યની વાત એ છે કે, સ્થળ પર એક ઈંટ પણ મૂકાયા વિના રૂ. 50.43 લાખનું તોતિંગ બિલ મંજૂરી માટે રજૂ પણ કરી દેવાયું! જો કે આરોગ્ય મંત્રીની મુલાકાતે આ ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે.
આ ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવતાં જ મંત્રી પાનશેરિયાએ વીડિયો કોન્ફરન્સથી PIU અધિકારીઓનો ઉધડો લીધો હતો. આ કૌભાંડમાં સીધી સંડોવણી બદલ બિલ રજૂ કરનારા ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલિયાને સસ્પેન્ડ કરી દીધા છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેશિયા પાલિતાણા હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટમાં સ્ટાફને સીધો સવાલ કર્યો કે, મંજૂર થયેલી પાણીની ટાંકીનું કામ ક્યાં છે, મારે જોવું છે. આ સાંભળતાં જ સ્ટાફના હોશ ઊડી ગયા હતા, કારણ કે હોસ્પિટલ કેમ્પસમાં ક્યાંય ભૂગર્ભ ટાંકી હતી જ નહીં! તપાસમાં ખૂલ્યું કે, આ સમગ્ર કામ ભાવનગર પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ કચેરી દ્વારા થવાનું હતું. ત્યાંના ભ્રષ્ટ ઇજનેરોએ કાગળ પર નકશા ચિતરી કામ પૂર્ણ થઈ ગયું હોવાનું દર્શાવી રૂ. 50.43 લાખનું બિલ પણ પાસ કરાવવા મોકલી દીધું હતું.


comments powered by Disqus