રોકેટ બનાવવાનું કામ હવે ઇસરો નહીં પણ ખાનગી કંપનીઓને સોંપાશે

Tuesday 25th August 2026 06:07 EDT
 

નવી દિલ્હીઃ અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતને અનેક સિદ્ધિઓ અપાવનારા ઇસરોમાં ધરખમ ફેરફારો થવા જઇ રહ્યા છે. અત્યાર સુધી સેટેલાઇટ, રોકેટ, લોન્ચ વ્હીકલ વગેરે તૈયાર કરવાની કામગીરી ઇસરો જ સંભાળતું આવ્યું છે. જો કે હવે આ કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે અને ઇસરો રોકેટ કે લોન્ચ વ્હીકલ બનાવવાના કામથી મુક્ત થશે, જ્યારે માત્ર રિસર્ચના કામ પર જ ધ્યાન આપશે. આ ખુલાસો ઇસરો અને ખાનગી ક્ષેત્ર વચ્ચેની કામગીરી સંભાળનારી સરકારી એજન્સી ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએંકાએ કર્યો હતો.
2020માં કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એજન્સી ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએંકાએ કહ્યું હતું કે, રોકેટ, લોન્ચ વ્હીકલ વગેરે તૈયાર કરવાની કામગીરી હવે ખાનગી ક્ષેત્રને સોંપાશે અને તેની કામગીરી હાલ શરૂ પણ કરી દેવામાં આવી છે. ઇસરો હવે રિસર્ચ, એડવાન્સ ટેક્નોલોજી, વૈજ્ઞાાનિક મિશનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં અન્ય કંપનીઓને કામગીરી સોંપવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અથવા તો એસએસએલવીની ટેક્નોલોજી અને પ્રોડક્શનના અધિકારો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ને સોંપી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ભારતના સૌથી શક્તિશાળી રોકેટ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) અને લોન્ચ વ્હીકલ માર્ક-3 (એલવીએમ3)ને પણ ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવશે. એટલું જ નહીં ભવિષ્યમાં પબ્લિક સેક્ટર કંપની એટલે કે સરકારી કંપનીને રોકેટની ભવિષ્યની કોઇ કામગીરી સોંપવામાં નહીં આવે. ડો. પવનનો દાવો છે કે ઇસરો ઉત્પાદન નહીં રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, નવી ટેક્નોલોજી વિકસાવશે, અમે અગાઉ જ ઇસરો પાસેથી 120 ટેક્નોલોજી લઇને ખાનગી સેક્ટરને સોંપી દીધી છે. સરકાર નવા લોન્ચ સેન્ટરના સંચાલનની કામગીરી પણ ખાનગી ઇન્ડસ્ટ્રીને સોંપવાનું આયોજન કરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી ચારથી પાંચ મહિનામાં અંતિમ સ્વરૂપ લઈ લેશે. ભારત માલિકી આધારિત કોમર્શિયલ મોડેલ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં ખાનગી કંપનીઓ સેટેલાઇટની માલિક બનશે અને અંતરિક્ષમાં આ કંપનીઓની પોતાની સંપત્તિ હશે. સાથે જ ડેટા અને સર્વિસ પણ મોનેટાઇઝ કરશે.


comments powered by Disqus