શારજાહથી 500 ગ્રામ સોનું લઈ આવતી ભાવનગરની મહિલા ડોક્ટર ઝડપાઈ

Wednesday 26th August 2026 06:08 EDT
 

અમદાવાદ: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે 24 કેરેટના 500 ગ્રામ સોના સાથે મહિલા પેસેન્જરની ધરપકડ કરાઈ છે. ભાવનગરની ઈમર્જન્સી મેડિસિનની મહિલા ડોક્ટરના હાઈ-નેક સ્વેટરની અંદર છુપાવેલી 24 કેરેટની સોનાની ચેઇન મળી હતી. મહિલા તબીબ શારજાહથી એર અરેબિયાની ફ્લાઈટ દ્વારા અમદાવાદ પહોંચી હતી. તપાસ દરમિયાન 499.540 ગ્રામ વજન ધરાવતી રૂ. 83.14 લાખથી મોંઘી સોનાની ચેઇન સાથે કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરાઈ છે. મહિલા તબીબની પૂછપરછ કરતાં તે સોનું રોકાણ માટે લાવી હોવાનું રટણ કર્યું હતું.
એર ઈન્ટેલિજન્સ પેસેન્જર પ્રોફાઈલિંગ કેવી રીતે કરે છે?
ડિજિટલ ડેટા સ્કેનિંગઃ ફ્લાઈટ ઉપડતાં જ પેસેન્જરોની ટ્રાવેલ હિસ્ટ્રી, ટિકિટ ક્યારે-કોણે બુક કરાવી તથા ગલ્ફ દેશોમાં 24થી 48 કલાકના ટૂંકા રોકાણ જેવા ડેટાને ફિલ્ટર કરી શંકાસ્પદ યાદી બનાવાય છે.
બોડી લેંગ્વેજ: શરીરમાં કે કપડાંમાં સોનું છુપાવ્યું હોય ત્યારે ચાલવાની ઢબ, એસી છતાં ચહેરા પર પરસેવો, ગભરાટ અને ઋતુ વિરુદ્ધના કપડાં જોઈને શંકાસ્પદ વ્યક્તિને અલગ કરવામાં આવે છે.
ગ્રીન ચેનલ પર રેન્ડમ સ્પોટ ઇન્ટ્રોગેશન: ગ્રીન ચેનલ પાર કરતી વખતે વિદેશ પ્રવાસનો હેતુ, હોટેલ અને ખર્ચ અંગે સવાલો પુછાય છે, ગોખેલા કે અસંતોષકારક જવાબો મળતાં જ શંકા પાકી થાય છે.
એડવાન્સ્ડ ટેક સ્કેનિંગ અને પર્સનલ સર્ચઃ છેલ્લે શંકાસ્પદ પેસેન્જરના લગેજનું થ્રીડી, એક્સ-રે સ્કેનિંગ, ડોર-ફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ-હેલ્ડ સ્કેનર અને જરૂર પડ્યે હોસ્પિટલ લઈ જઈ બોડી એક્સ-રે કરાવીને છુપાવેલું સોનું જપ્ત કરી ધરપકડ કરાય છે.


comments powered by Disqus