વિશાખાપટ્ટનમ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતની અમેરિકા, કેનેડા અને બ્રિટનની સૂચિત મુલાકાતનો હેતુ ભારત, હિન્દુ સમાજ અને સંઘ વિરુદ્ધ વિશ્વભરમાં ફેલાયેલા દુષ્પ્રચાર અને ગેરસમજોને દૂર કરવાનો છે. આ પ્રવાસ RSSના શતાબ્દી વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવી રહેલા તેના વૈશ્વિક સંપર્ક અભિયાનનો એક હિસ્સો છે.
RSSના સહ-સરકાર્યવાહ સી.આર. મુકુંદે જણાવ્ય કે, સંઘ વિવિધ દેશોના સમાજો સુધી પહોંચી રહ્યો છે તથા ભારત, હિન્દુઓ તથા RSS અંગે સકારાત્મક નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. RSSના વડાની ત્રણ દેશોની મુલાકાતના ત્રણ મુખ્ય હેતુઓ છે. પ્રથમ હેતુ ભારત, હિન્દુ સમાજ અને RSS અંગે વિશ્વભરમાં પ્રવર્તતી ગેરસમજો અને દુષ્પ્રચાર વચ્ચે તથ્ય આધારિત અને સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરવાનો છે. બીજો હેતુ ભારતના પ્રાચીન ઋષિઓ દ્વારા આપવામાં આવેલા “વસુધૈવ કુટુંબકમ્” અને વૈશ્વિક એક્તાના સંદેશને વિવિધ દેશોના સમાજો સુધી પહોંચાડવાનો છે. ત્રીજો હેતુ વિવિધ સંવાદ સ્થાપિત કરવાનો છે. ભાગવત ન્યૂયોર્કમાં 'યુનિવર્સિલ વનનેસ' કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત ટોરોન્ટો અને લંડનમાં ભારતીય સમુદાયના નેતાઓ સાથેના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

