મહેસાણાઃ ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા એક ગુજરાતી યુવક અને 2 યુવતીનું ઇથોપિયામાં અપહરણ થયું છે. તેઓ 20 સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળ્યાં હતાં. અપહરણકારો દ્વારા તેમની મુક્તિ અંગે રૂ. 1 કરોડની ખંડણી મગાઈ છે.
અપહરણ થનારમાં મહેસાણાના 23 વર્ષીય ઋત્વિક શૈલેશભાઈ જનસરી અને 30 વર્ષીય મમતા ચિરાગભાઈ ચાવડાનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજા અપહૃય યુવકનું નામ હજુ સુધી સામે આવ્યું નથી, જેના પરિવારે ખંડણી ચૂકવી દેતાં તેને છોડી દેવાયો છે. મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટે ઋત્વિક અને મમતાને ગેરકાયદે અમેરિકા રવાના કર્યાં હતાં.
2 દેશની સફર ખેડી ઇથોપિયા પહોંચ્યાં
આ યુવક-યુવતીઓ 20 સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળી જયપુર પહોંચ્યાં હતાં, જ્યાંથી એતિહાદની ફ્લાઇટમાં અબુ ધાબી ગયાં હતાં. એ જ દિવસે અબુ ધાબીથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યાં હતાં. જ્યાં એડિસ અબાબાની સ્વાઝિલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં. ત્યાં તેમનું 20થી 29 સપ્ટેમ્બર સુધીનું બુકિંગ હતું. તેમણે ઇથોપિયાના ઇ-વિઝા લીધા હતા, જે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી એટલે કે એક મહિનાના હતા. એડિસ અબાબામાં એજન્ટ્સે તેમનું અપહરણ કર્યું હતું.
એક યુવકની રૂ. 70 લાખ લઈ મુક્તિ
આખી વાત ત્યારે બહાર આવી જ્યારે તેમની સાથે ગયેલો તેમના જ ગામનો એક યુવક રૂપિયા આપીને પાછો આવ્યો હતો. અપહરણકારોએ તેમના પરિવાર સાથે વાત કરીને નાણાં માગ્યાં હતાં. ત્રીજા યુવકના પરિવારે રૂ. 70 લાખ આપી દેતાં અપહરણકારોએ તેને છોડી દીધો હતો અને તે યુવાન ગુજરાત પાછો આવી ગયો છે.
ખંડણી ચૂકવી પણ ઋત્વિક, મમતા લાપતા
ઋત્વિક અને મમતાના પરિવારે અપહરણકારોને ખંડણી ચૂકવી હતી. જો કે રૂપિયા આપ્યા બાદ પણ તેમનો કોઈ પત્તો ન હોવાથી છેવટે પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના એજન્ટ અલ્પેશ પટેલે વડોદરાના અન્ય કોઈ એજન્ટને આ કામ સોંપ્યું હતું પણ હાલમાં અલ્પેશ ક્યાં છે તેની કોઇ માહિતી નથી.

