અમેરિકા બાદ પીએમ નરેન્દ્ર મોદી કેનેડાની દ્વિપક્ષીય યાત્રાએ જઈ શકે

Wednesday 30th September 2026 06:06 EDT
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી મજબૂત સંભાવના છે. સૂત્રો અનુસાર પીએમ મોદી ફ્લોરિડાના મિયામીમાં આયોજિત જી-20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સમિટની યજમાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. જો વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ નક્કી થાય છે, તો જી-20 શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ થશે. આ સંમેલન 14-15 ડિસેમ્બરે ફ્લોરિડા સ્થિત ટ્રમ્પ નેશનલ ડોલર મિયામી રિસોર્ટમાં આયોજિત થશે. જો કે સરકારે હજુ સુધી આ પ્રવાસ બાબતે ઔપચારિક જાહેરાત કરી નથી.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આવી બેઠકની સંભાવના એવા સમયે જોવાય છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને દ્વિપક્ષીય સહયોગ ક્ષેત્રે વાતચીત ચાલી રહી છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતીય આયાત પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકીને ધ્યાનમાં રાખતાં આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે, સમિટ દરમિયાન ટ્રમ્પ જે નેતાઓને મળવા માગશે તેમાં પીએમ મોદીનું નામ અગ્ર હરોળમાં હશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને ટ્રમ્પની છેલ્લી મુલાકાત જૂનમાં ફ્રાન્સના એવિયનમાં જી-7 સમિટ દરમિયાન થઈ હતી. બંને નેતાઓએ વેપાર, સુરક્ષા, ઊર્જા અને તકનિક સહિત ભારત-અમેરિકા સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને એક વચગાળાની દ્વિપક્ષીય વેપાર સમજૂતી માટે વાતચીત પર ચર્ચા કરી હતી.


comments powered by Disqus