અમદાવાદઃ સાબરમતી રેલવે સ્ટેશને રવિવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારતની પ્રથમ એલએનજી સંચાલિત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. સાથે જ રૂ. 700 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડબલ્યુએજી-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ, 122.57 કિ.મી. રેલખંડમાં સ્વચાલિત સિગ્નલિંગનું લોકાર્પણ અને 404 કિ.મી.માં સ્વદેશી ‘કવચ’ સિસ્ટમના કામનો શિલાન્યાસ કર્યો. સાબરમતી-સરખેજ રેલવે લાઇનના ડબલિંગનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે 80ના દાયકામાં સાબરમતી સ્ટેશનેથી રિક્ષા લેવા 2 કિ.મી. દૂર જવું પડતું હતું. હાલ ચાલીને એસ.ટી. સ્ટેન્ડ, મેટ્રો, બુલેટ ટ્રેન સુધી જઈ શકાય તેવી સ્થિતિ છે. ડબલ્યુએજી-12 લોકોમોટિવ 12,000 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે, જે 600 ટ્રકો જેટલો માલ એક જ એન્જિન ઉઠાવી શકે છે. વર્ષ 2015-16માં 293 કરોડ લિટર ડીઝલનો ટ્રેનોમાં વપરાશ હતો, જે હવે ઘટીને માત્ર 108 કરોડ લિટર થયો છે. વર્ષ 2030 સુધીમાં તેને ઝીરો કરવાનું લક્ષ્ય છે, જેથી વિદેશી હૂંડિયામણ બચશે.

