ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સરકારની કઠપૂતળી, તેમનો ઉદ્દેશ્ય ભાજપને ફાયદો કરાવવાનોઃ ખડગે

Wednesday 30th September 2026 06:06 EDT
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર મોદી સરકારની કઠપૂતળી બની ગયા છે. કાવતરાના ભાગરૂપે મતદાર યાદીથી નામો હટાવાઈ રહ્યાં છે. તેમને પદ પર રહેવાનો અધિકાર નથી, તેથી તેમને તાત્કાલિક હટાવવા જોઈએ.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ખડગેએ કહ્યું કે, આખો દેશ હવે જાણે છે કે CECનો ઉદ્દેશ ભાજપને ફાયદો કરાવવાનો છે. કૉંગ્રેસ નેતાઓએ ચૂંટણીપંચમાં કથિત મતભેદો અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે બેઠક કરી. આમાં નિર્ણય કરાયો કે, કોંગ્રેસ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિના મુદ્દાને સંસદમાં ઉઠાવશે અને વિરોધ પ્રદર્શન કરશે.
CECએ દબાણમાં રહીને કામ કર્યુંઃ ખડગે
ખડગેએ કહ્યું કે, સરકારે લોકશાહીને નબળી બનાવી છે. મોદી સરકારે વ્યવસ્થિત રીતે મજબૂત લોકશાહીના પાયાને પોલો કરી નાખ્યો છે, જે આપણા પૂર્વજોએ બનાવ્યો હતો. PM મોદીએ યુવાનોને મતદાન કરતાં રોકવાનું કાવતરું રચ્યું છે. ફોર્મ-6 સંબંધિત નિયમોમાં ગેરકાયદે ફેરફાર કરાયો. મુખ્ય ચૂંટણી કમિશનરે PMના દબાણ હેઠળ કામ કર્યું છે. PMએ નૈતિક આધાર પર પોતે રાજીનામું આપી દેવું જોઈએ.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગની તૈયારી
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ એકજૂથ થઈ ગયો છે. વિપક્ષી દળો CEC વિરુદ્ધ સંસદના બંને ગૃહમાં મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યા છે, કોંગ્રેસે આ મુદ્દે અન્ય વિપક્ષી દળોનો સંપર્ક કર્યો છે અને આગામી બે સપ્તાહમાં નોટિસ પણ જમા કરાવાશે. જો મહાભિયોગ આવશે તો જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધી શકે છે.


comments powered by Disqus