ટેક્સચોરીની રકમ રૂ. 5 હજાર કરોડ સુધી હોવાનો અંદાજઃ અનેક લોકો રડારમાં

રાજકીય પક્ષોને મળતા ડોનેશનમાં કૌભાંડ

Wednesday 30th September 2026 06:07 EDT
 

અમદાવાદઃ રાજકીય પક્ષોના ડોનેશન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ વધુ 7થી 8 પાર્ટીના હોદ્દેદારો, સીએ સહિતની ટોળકી સામે ગુનો નોંધશે. ઇન્કમટેક્સ વિભાગે 1 વર્ષ પહેલાં 23 રાજકીય પક્ષોની ઓફિસો પર દરોડા પાડ્યા હતા, જેમાં રૂ. 4થી 5 હજાર કરોડની ટેક્સચોરી બહાર આવી હતી. જે 23 રાજકીય પક્ષોની ઓફિસો પર દરોડા પડાયા હતા, તેમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ અને સત્યવાદી રક્ષક પાર્ટી સહિતની અન્ય રાજકીય પાર્ટીનો સમાવેશ થાય છે.
આ ચાર પક્ષના હોદ્દેદારો તેમજ સીએ સામે સીઆઇડી ક્રાઇમે રૂ. 2283 કરોડનું દાન લઈને રૂ. 684 કરોડની ટેક્સચોરી કરી હોવાની ફરિયાદ નોંધી છે. ટેક્સ ચોરી કૌભાંડમાં ડિપાર્ટમેન્ટે એક વર્ષ પહેલાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, નવસારીમાં આવેલી 23 રાજકીય પક્ષની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. તેમાંથી સીઆઇડી ક્રાઇમે 4 પક્ષના હોદ્દેદારો સામે ગુના નોંધ્યા છે, જ્યારે બાકી રહેલા પક્ષના હોદ્દેદારો રડારમાં છે.
પોલીસની તપાસમાં એવી પણ માહિતી બહાર આવી છે કે, આ રાજકીય પક્ષોએ એકના એક જ કરદાતા પાસેથી વિવિધ રાજ્યોમાંથી દાન મેળવ્યું હતું. આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હોવાથી આવા 1.25 લાખ જેટલા કરદાતા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવ્યા હતા. જેમાં મોટાભાગના કરદાતા ખાનગી કંપનીઓમાં ઊંચા પગારથી નોકરી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. તેમને નોટિસો આપીને બોલાવીને પૂછપરછ કરવાનું શરૂ કરાયું છે. નાણાંની લેતીદેતી આંગડિયા અને હવાલાથી થતી હોવાથી રાજકીય પક્ષો જે આંગડિયા પેઢી મારફતે નાણાંની હેરાફેરી કરતા હતા તેની માહિતી પણ સીઆઇડી ક્રાઇમે એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.


comments powered by Disqus