અમદાવાદઃ ગુજરાતની રાજનીતિમાં 29 સપ્ટેમ્બરે એક એવા સમાચાર મળ્યા, જેણે રાજનેતાઓની સાથે જનતાને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ સમાચાર છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે ચર્ચા ચાલુ છે. તો બીજી તરફ બાપુએ પણ કહ્યું, હા સાચી વાત છે.
શંકરસિંહે 2017માં એમના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી હતી. 9 વર્ષ બાદ હવે કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. શંકરસિંહ વાઘેલા સહિત અનેક લોકોને કોંગ્રેસમાં જોડાવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા થઈ રહી રહી છે. બની શકે કે નવરાત્રી પહેલાં નવાજૂની થઈ શકે છે.
પક્ષપલટો અને નવી પાર્ટી બનાવવા માટે જાણીતા
શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઈ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. જે બાદ જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગતાં પાર્ટી છોડી હતી. નવેમ્બર 2024એ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં સ્નેહમિલન યોજાયું હતું, જ્યાં શંકરસિંહે બેઠક બાદ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, અનેક અંધભક્તોને ભાજપનો જે ભ્રમ હતો તે હવે તૂટી રહ્યો છે. વોટચોરી, પેપર લીક સહિતની ઘટનાઓના કારણે લોકો પરેશાન છે. હજુ ઘણા નેતા કોંગ્રેસમાં જોડાવા ઇચ્છે છે.

