અમદાવાદઃ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સંગઠનાત્મક સ્તરે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિયુક્તિ કરી છે. મહત્ત્વની વાત એ છે કે, આ નવી નિમણૂકોમાં ગુજરાતના ચાર નેતાને વિવિધ રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપાઈ છે, જેના પગલે દિલ્હીમાં ગુજરાતનું રાજકીય કદ વધ્યું છે. થોડા દિવસો પહેલાં જ તરુણ ચુગને ગુજરાત પ્રભારી પદ અપાયુ હતું. હાઈકમાન્ડે તે બાદ વધુ બે સહપ્રભારી અજય મહાકર અને સહિત ગોમતી સાંઈને ગુજરાતમાં સંગઠનની કામગીરી સોંપી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ હાઈકમાન્ડે સામાજિક અને રાજકીય ગણતરીના આધારે સંગઠનને મજબૂત કરવાના હેતુથી રાષ્ટ્રીય સંગઠનમાં ફેરબદલ કર્યા છે. તેમાં ગુજરાતના ઘણા દિગ્ગજોની રાષ્ટ્રીયસ્તરે કામ કરવાની ઇચ્છા મનમાં જ રહી ગઈ છે. જ્યારે નવા ચહેરા અને મહિલાઓને તક અપાઈ છે.
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવાયા છે, જ્યારે કોંગ્રેસથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાનની સાથે હવે બિહારના સહપ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને દિલ્હીના સહપ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને દાદરા અને નગર હવેલીનું પ્રભારીપદ સોંપાયું છે.
