નવી દિલ્હીઃ ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની 12 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર કરાઈ. જેમાં ઉત્તરપ્રદેશની 10, ઉત્તરાખંડની એક અને પશ્ચિમ બંગાળની એક સીટ પર 16 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે.
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલાં રાજ્યસભાની ચૂંટણી પર સૌની નજર છે. ઉત્તરાખંડની એક સીટ પરથી ભાજપના નરેશ બંસલ નિવૃત્ત થઈ રહ્યા છે. તે સિવાય TMC સાંસદ રુક્મીણિ મલિકના રાજીનામા પછી આ સીટ પર પેટાચૂંટણી યોજાશે. આગામી 25 નવેમ્બરે રાજ્યસભાના 11 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાં ભાજપના 8 સાંસદો છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીના એક અને સમાજવાદી પાર્ટીના એક સાંસદ સામેલ છે. ભાજપના નરેશ બંસલ, બૃજલાલ, સીમા દ્વિવેદી, ચંદ્રપ્રભા, હરદીપસિંહ પુરી, નીરજ શેખર, અરુણસિંહ, બીએલ વર્માનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. સપાના રામ ગોપાલ યાદવ અને બસપાનાં એકમાત્ર સાંસદ રામજી પણ નિવૃત્ત થઈ રહ્યા છે. પંચ દ્વારા રાજ્યોની 28 વિધાન પરિષદ સીટોની ચૂંટણીની જાહેરાત પણ કરાઈ છે, જેમાં તમામ 28 સીટ પર 23 ઓક્ટોબરે મતદાન થશે.
