વડોદરામાં ‘લોર્ડ ભીખુ પારેખ સ્ટડી’નું ઉદઘાટન

Wednesday 30th September 2026 06:07 EDT
 
 

વડોદરાઃ વડોદરામાં નવરચના યુનિવર્સિટી દ્વારા શનિવારે એનયુવી લાઇબ્રેરી ખાતે ‘લોર્ડ ભીખુ પારેખ સ્ટડી’નું ઉદ્ઘાટન કરાયું. આ ખાસ વિભાગમાં જાણીતા રાજકીય વિચારક, વિદ્વાન અને હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય લોર્ડ ભીખુ પારેખનો વ્યક્તિગત સંગ્રહ રખાયો છે, જેમાં 1,800થી વધુ દુર્લભ અને મૂલ્યવાન પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.
એનયુવી લાઇબ્રેરી ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે લોર્ડ પારેખ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ એક એવો પરિવાર છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવનારા ત્રણ સભ્યો છે.
લોર્ડ ભીખુ પારેખે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘એવી દુનિયામાં જ્યાં દરેક જગ્યાએ ત્વરિત જવાબો મેળવવા માટે મોબાઇલ અને લેપટોપનો સહારો લેવાય છે, ત્યાં આ લાઇબ્રેરી વાચકોને તેમના અભિગમમાં વધુ સ્થિર અને વિશ્લેષણાત્મક રહેવામાં મદદ કરશે.’
આ પ્રસંગે નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, ‘લોર્ડ ભીખુ પારેખ સ્ટડીનું ઉદ્ઘાટન નવરચના યુનિવર્સિટી માટે એક ગૌરવપૂર્ણ અને નિર્ણાયક ક્ષણ છે. આ સંગ્રહ માત્ર પુસ્તકોની ભેટ નથી, તે જ્ઞાનનો એવો વારસો છે જે આપણા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોની પેઢીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડશે.’ દાયકાઓના શૈક્ષણિક કાર્ય પછી તૈયાર કરાયેલો આ સંગ્રહ હવે નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, વિઝિટિંગ સ્કોલર્સ અને રિસર્ચર્સ માટે ઉપલબ્ધ રહેશે.


comments powered by Disqus