નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રાષ્ટ્રજોગ રેડિયો સંબોધન કાર્યક્રમ ‘મન કી બાત’ના 138મા એપિસોડમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ વડા અશોક સિંઘલની જન્મજયંતી પર તેમને યાદ કર્યા હતા. સાથે જ આતંકવાદ મુદ્દે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને દોહરાવી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, અશોક સિંઘલ સમાજમાં રહીને તપસ્વીઓ જેવું જીવન જીવી ગયા. તેમણે રામમંદિર આંદોલનને જે દિશા-ઊર્જા આપી તેના પરિણામે આજે આપણે રામમંદિર જોઈ રહ્યા છીએ.
પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને 10 વર્ષ પૂરાં થયાનું પણ નોંધ્યું હતું. 2016ની 28-29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય જવાનોએ એલઓસીને પાર જઈને આતંકી ઠેકાણાં નષ્ટ કર્યાં હતાં. વડાપ્રધાને કહ્યું, સર્જિકલ સ્ટ્રાઇકે છડેચોક દુનિયા સમક્ષ ભારતની આતંક વિરોધી નીતિનું નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક ભારતે આતંકી હુમલાની લાંબા સમય સુધી જે પીડા વેઠી હતી તેની વિરુદ્ધ નિર્ણાયક પ્રતિક્રિયા હતી.
મોઢેરાના સૂર્યમંદિર, સોમનાથનો ઉલ્લેખ
સૂર્યમંદિરનો ઉલ્લેખ કરી પીએમએ કહ્યું કે 1026માં મોઢેરા મંદિર પર હુમલો થયો હતો અને રાજા ભીમદેવ પ્રથમે થોડા સમયમાં જ તેનું પુનઃનિર્માણ કરાવ્યું. આજે મોઢેરા દેશનું પહેલું સોલાર ગામ બની ચૂક્યું છે અને સંપૂર્ણપણે સૌરઊર્જાથી ચાલે છે.

