વિજાપુરઃ મહેસાણા જિલ્લાના વિજાપુરના જંત્રાલ ગામનાં વતની અને 10 વર્ષથી અમેરિકાના વર્જિનિયામાં રહેતાં મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા નીપજાવી દેવાઈ. મેઘના પટેલની હત્યાના પગલે તેના વતન જંત્રાલ ગામે શોકનો માહોલ છવાયો છે. મહત્ત્વનું છે કે, અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતીની હત્યા કરી દેવાઈ છે.
હત્યાના હચમચાવી નાખતા જે સીસીટીવી સામે આવ્યા છે, તેમાં એક બુકાનીધારી સ્ટોરમાં પ્રવેશે છે, ત્યારબાદ થોડીવારમાં હથિયાર કાઢી ધડાધડ ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. આ હુમલા પાછળ લૂંટનો ઈરાદો હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. મેઘનાબહેન અને પતિ ઉપેન્દ્રભાઈ પટેલ સાથે સ્ટોરમાં નોકરી કરતાં હતાં.

