ઈબોલા એલર્ટઃ વિદેશથી આવનારા મુસાફરોએ ડેક્લરેશન ફોર્મ ભરવું પડશે

Wednesday 27th May 2026 06:16 EDT
 
 

અમદાવાદઃ આફ્રિકન દેશોમાં ઈબોલા કેસમાં વધારો થતાં ગુજરાતમાં તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટે સાંજે 6થી સવારે 10 વાગ્યા દરમિયાન યુગાન્ડા, કોંગો, સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત વિદેશથી આવનારા મુસાફરો માટે વિવિધ પ્રકારની ગાઇડ લાઇન્સ પણ જાહેર કરાઈ છે. જેના ભાગરૂપે વિદેશથી આવનારા તમામ મુસાફરોએ ફ્લાઈટના લેન્ડિંગ અગાઉ સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ભરીને આપવું પડશે.
કોંગો, યુગાન્ડા, સાઉથ સુદાન જેવા દેશમાં ઈબોલા વાઇરસના કેસ જોવા મળતાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે, ‘સૌથી વધુ પ્રભાવિત દેશથી આવતા મુસાફરો પર ખાસ નજર રખાઈ રહી છે. આ સ્ક્રીનિંગ માત્ર અસરગ્રસ્ત દેશથી આવતા મુસાફરો માટે જ છે. અન્ય દેશના મુસાફરો માટે ચિંતાનું કોઈ કારણ નથી.
આફ્રિકાના કેટલાક દેશમાં સામાન્ય રીતે જોવા મળતો આ રોગ લોહી, થૂંક, પરસેવો, ઊલટી, શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કથી ફેલાય છે. ફળખાઉ ચામાચીડિયા તેનો મુખ્ય સ્ત્રોત છે. ઊંચો તાવ, થાક, માથાનો દુઃખાવો, સ્નાયુમાં દુઃખાવો, ગળામાં દુઃખાવો તેના મુખ્ય લક્ષણ છે.


comments powered by Disqus