નવી દિલ્હીઃ વૈશ્વિક અનિશ્ચિતતા અને મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના સંગઠન ક્વોડના વિદેશમંત્રીઓની નવી દિલ્હીમાં હાઇલેવલ બેઠક યોજાઈ હતી. ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ચારેય લોકતાંત્રિક દેશોએ મુક્ત અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે એક થઈને કામ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય અને દરિયાઈ વેપાર ખોરવાઈ જવાની આશંકા વચ્ચે ક્વાડ દેશોએ મેરિટાઇમ સર્વેલન્સ, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ મિનરલ્સને લઈને શ્રેણીબદ્ધ નવી પહેલોની જાહેરાત કરી છે.
સમુદ્રી સુરક્ષા પર સૌથી મોટો એક્શન પ્લાન
વૈશ્વિક વેપારનો લગભગ 60 ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રથી પસાર થાય છે. તેને સુરક્ષિત રાખવા બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં મેરિટાઇમ સર્વેલન્સ ઇનિશિયેટિવ અંતર્ગત અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ નવી પહેલની જાહેરાત કરી છે, જે અંતર્ગત ચારેય દેશો પોતાની નજર રાખવાની ક્ષમતાને એકબીજા સાથે જોડશે અને રિયલ ટાઇમ ડેટા શેર કરશે. ફિઝીમાં પ્રથમ સંયુક્ત પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા ક્વોડ દેશો સંયુક્ત રીતે ફિઝી દેશમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરશે. ક્વોડનો આ પ્રકારનો આ પ્રથમ સંયુક્ત પ્રોજેક્ટ છે.
એનર્જી સુરક્ષા માટે નવું ફ્રેમવર્ક
ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોન્ગે જણાવ્યું હતું કે, ઇરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ રૂટને બંધ કરવાની ધમકી વચ્ચે ક્વોડ દ્વારા ઇન્ડો-પેસિફિક એનર્જી સિક્યોરિટી ઇનિશિયેટિવ શરૂ કરાઈ છે. આ સિસ્ટમ ટેક્નોલોજી, પોલિસી કો.ઓર્ડિનેશન અને ઇમર્જન્સી રિસ્પોન્સ પર કામ કરશે. દરિયાઈ રૂટ પર કોઈપણ પ્રકારની જોહુકમી કે ટેક્સ વસૂલવાની પ્રવૃત્તિનો ક્વોડ દેશો સખત વિરોધ કરશે.
અર્થ મિનરલ્સ માટે ચીનની નિર્ભરતા ઘટશે
મોટાભાગની આધુનિક ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી રેર અર્થ મિનરલ્સ પર ચીનનું એકહથ્થું શાસન તોડવા માટે ક્વોડ ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક મંજૂર કરાયું છે. આ અંતર્ગત ખાણકામ, પ્રોસેસિંગ અને રિસાઇક્લિંગમાં સંયુક્ત રોકાણ કરાશે. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે એક અલગ દ્વિપક્ષીય કરાર પર પણ હસ્તાક્ષર કરાયા છે.
ભારતનું કડક વલણ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કડક સંદેશ આપતાં જણાવ્યું કે, જે દેશો આતંકી હુમલાનો સામનો કરી રહ્યા છે, તેમને આત્મરક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ક્વોડ સંગઠન આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.
અમારો ઉદ્દેશ્ય ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનું એન્જિન બનાવવાનો છે અને તેના માટે વ્યૂહાત્મક વિશ્વાસ અને સમુદ્રી સુરક્ષા વધારવી અનિવાર્ય છે.
જાપાને ચીન પર સાધ્યું નિશાન
બીજી તરફ જાપાનના વિદેશમંત્રી તોશિમિત્સુ મોતેગીએ કોઈનું નામ લીધા વિના ચીનની વિસ્તારવાદી નીતિ તરફ ઇશારો કરતાં કહ્યું કે, બળજબરીથી યથાવત્ સ્થિતિ બદલવાના કોઈપણ પ્રયાસનો ક્વોડ સખત વિરોધ કરે છે. તેમણે ઉત્તર કોરિયાના સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણની કટિબદ્ધતા પણ દોહરાવી હતી.

