કરજણના ધારાસભ્યના પુત્ર ઋષિ સામે આખરે ગુનો નોંધાયો

Wednesday 27th May 2026 06:57 EDT
 
 

વડોદરાઃ જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અને તેના સાગરીતોએ રેતીના ડમ્પરના ડ્રાઇવરને નિર્દયતાથી માર માર્યો હોવાના બનાવને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ હોબાળા બાદ આખરે પોલીસને ધારાસભ્યના પુત્ર સહિત 5 હુમલાખોરો સામે માર માર્યાની તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની ફરજ પડી છે.
કરજણના નારેશ્વર, લીલોડ તેમજ અન્ય વિસ્તારોમાં રેતીની લીઝ ચલાવતા ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સામે ડમ્પર ડ્રાઇવર નટવરભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી છે કે, 15 મેએ સવારે હું તેમજ બીજા ડ્રાઇવર ગિરીશભાઈ વસાવા જુદાંજુદાં બે ડમ્પરમાં જંબુસર રેતી ખાલી કરીને પરત આવ્યા ત્યારે અમને ઋષિ પટેલે તેમની બકાપુરની ઓફિસે બોલાવ્યા હતા. અમે ગયા ત્યારે બીજા પણ પાંચ-છ ડ્રાઇવર હાજર હતા. ઋષિએ અમને ડમ્પરનો ફોટો બતાવી અમારી ટ્રકની ઓળખ કરાવી હતી, જે બાદ ઋષિએ મારા મોંઢે લોખંડની પાઇપ ફટકારી હતી. જે બાદ તેના સાગરીતો જયદત્ત બાપુ, સાહિલ પટેલ, જાવેદ પઠાણ અને વિજયભાઈએ મને ઊંધો લટકાવી પ્લાસ્ટિકની પાઇપથી ઢોરમાર માર્યો હતો. તેમણે મારી જાતિનું અપમાન થાય તેવા ઉચ્ચારણ પણ કર્યાં હતાં. હું બેભાન થઈ જતાં મને નીચે ફેંકી દીધો હતો અને હુમલાખોરો ચાલ્યા ગયા હતા. આવી જ રીતે હુમલાખોરોએ ગિરીશને પણ માર મારતાં અમે બંનેએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.


comments powered by Disqus