કોંગ્રેસથી ભાજપમાં આવવા મને રૂ. 2 કરોડ મળ્યા, બીજાને તો રૂ. 50 લાખથી ઉપર મળ્યા નથી

ભાજપના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

Wednesday 27th May 2026 06:16 EDT
 
 

અમદાવાદઃ ભાજપના વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપે રાજકીય ખળભળાટ મચાવ્યો છે, જેમાં ધારાસભ્ય ચાવડા કબૂલાત કરી રહ્યા છે કે, કોંગ્રેસથી આવ્યા હોવાથી તેમને રૂ. 2 કરોડ મળ્યા હતા, બાકી અન્યને તો રૂ. 50 લાખથી ઉપર એકેય પૈસો અપાયો નથી. આ ઓડિયોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પણ વાર્તાલાપ ચાલી રહ્યો છે, જેમાં તાલુકા પંચાયત સ્તરે સરવે કરાવીને ઉમેદવારોને રૂ. 50-50 હજાર આપવાની વાતનો ઉલ્લેખ કરાયો છે.
મહેસાણાનું રાજકારણ હવે આ ઓડિયો ક્લિપ કાંડનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. વાઇરલ ઓડિયો ક્લિપમાં તેઓ કોઈ વ્યક્તિ સાથે ચૂંટણીમાં નાણાંની લેતીદેતીની વાતો કરી રહ્યા છે, જેમાં તેઓ કહે છે કે, તાલુકા પંચાયત સ્તરે સરવે કરી ત્રણ-ત્રણ સભ્યોને રૂ. 50-50 હજાર આપવાના છે. ઉમેદવારોને મતદારો લઈ આવવા માટે નાણાં અપાતાં નથી. દારૂ અને પૈસાના વહીવટની વાતો પણ ક્લિપમાં સંભળાય છે. પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ પક્ષમાં લઈ લેવાની વાતનો ઉલ્લેખ કરાયો છે.
ધારાસભ્ય સી.જે. ચાવડા અનુભવ વર્ણવતાં કહે છે કે, 10-12 વર્ષનો એક છોકરો રમી રહ્યો હતો. એ છોકરાએ અમને જોઈને રાજકીય વાતચીત શરૂ કરતાં એવું કહ્યું હતું કે, આપણે મોટા થઈને કોંગ્રેસથી લડવાનું, કારણ કે મારા પપ્પા કહેતા હતા કે, કોંગ્રેસથી ઊભા રહી ઉમેદવારી પાછી ખેંચી લેવાના પૈસા મળે છે. તમે વિચારો નાના છોકરામાં પણ હવે આવી મેન્ટાલિટી થઈ ગઈ છે.
પક્ષપલટુ ધારાસભ્ય ચાવડા ક્લિપમાં એમ પણ કહે છે કે, રાજકારણને તો હવે ધંધો જ બનાવી દેવાયો છે. ભાજપ પાર્ટીમાં કોઈ બે નંબરનો ધંધો કરશે, કોઈ રેતીનું કામ કરશે કે અન્ય કોઈ કામ કરશે અને સંબંધ રાખીને કામ કરાવશે. તંત્રમાં અધિકારીઓ અને કાર્યકરોને સુખી કરાયા છે. 10 વર્ષ સુધી કોંગ્રેસનું કંઈ થવાનું નથી અને ગુજરાતમાં તો સત્તા પર આવવાનું ભૂલી જ જાવ. આ ઓડિયો ક્લિપમાં અજય પટેલ અને જગદીશ ઠાકોરનાં નામનો પણ ઉલ્લેખ સંભળાય છે.


comments powered by Disqus