ખોડલધામનાં આગામી સર્વેસર્વા અનાર પટેલ હશે?

નરેશ પટેલ આવતા વર્ષે નિવૃત્ત થશે

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

રાજકોટઃ આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામની પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ દશાબ્દી મહોત્સવની જાહેરાત કરતી વેળાએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે આવતા વર્ષે સમાજકારણથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામને લીડ કરે તેવો ક્યાસ લગાવાઈ રહ્યો છે.
આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું કે, હવે હું આરામ કરવા માગું છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારથી કોઈ નહીં આવે એની પણ ખાતરી આપું છું. આ પરથી તેઓ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરશે તો નવાઈ નહીં રહે. શુક્રવારે જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી જાહેર થઈ છે, તેમાં તેઓ ઉમેદવાર બને તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
હવે આરામ કરું તો પણ વાંધો નથી
નરેશ પટેલે રથનું પ્રસ્થાન કરાવતા પહેલાં નિવેદન આપ્યું હતું કે, અહીં ઉપસ્થિત ઘણા લોકો 2011થી મારી સાથે જોડાયેલા છે. ઘણા લોકો 2017થી જોડાયેલા છે. આજે 10 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે આટલા બધા લોકો સાથે છે એ જ મોટી સફળતા કહેવાય. આટલી મોટી સક્ષમ ટીમ છે, હવે તો હું આરામ કરું તો પણ વાંધો નથી.
અનાર પટેલ 3 વર્ષ પહેલાં ટ્રસ્ટી બન્યાં હતાં
ગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત કોઈથી છૂપી નથી, ત્યારે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલે 3 વર્ષ પહેલાં જ ખોડલધામ ટ્રસ્ટમાં પ્રવેશ કર્યો હતો. તેમની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી નહોતી. વિધાનસભાની ચૂંટણી બાદ ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ રહી છે, જેને ગુજરાતના રાજકારણમાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવે છે.


comments powered by Disqus