ગિફ્ટ સિટી ટેક્નોલોજી, ટેલેન્ટ અને તકોનું અનોખું સંયોજનઃ સીતારામન

Wednesday 27th May 2026 06:16 EDT
 
 

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીની કામગીરીની સમીક્ષા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ભારત ગિફ્ટ સિટી દ્વારા સ્કેલ, ટેકનોલોજી, ટેલેન્ટ અને વિકાસની તકોનું એક અનોખું સંયોજન પ્રદાન કરે છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીની પ્રગતિ અને તેની વિકસતિ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓની ઇકો સિસ્ટમ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક અને IFSCના ચેરમેન કે. રાજારામન તેમજ ગુજરાત અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય નાણાં મંત્રી સીતારામને વૈશ્વિક નાણાંકીય બજારો સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવા અને દેશમાં આંતરરાષ્ટ્રીય મૂડીના પ્રવાહને સરળ બનાવવામાં ગિફ્ટ સિટીના વ્યૂહાત્મક મહત્વ પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય નાણાંકીય માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે. એટલું જ નહીં વૈશ્વિક આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે ભવિષ્યની તકોનું મહત્વ જણાવતા અત્યાર સુધી ગિફ્ટ સિટીની થયેલી પ્રગતિને પ્રોત્સાહજનક ગણાવી હતી.
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ ગિફ્ટ સિટીમાં કુશળ વ્યવસાયિકો લાવીને અને વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ગિફ્ટ-IFSC માટેના પીએમ મોદીના વિઝનને સાકાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus