જામનગર: જામનગરની શાન અને સદીઓથી દેશ-વિદેશમાં ડંકો વગાડનાર 300 વર્ષ જૂનો અને વિશ્વવિખ્યાત બાંધણી ઉદ્યોગ હાલમાં મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. વર્તમાન વૈશ્વિક કટોકટી, ઇરાન અને ઈઝરાયલ – અમેરિકા વચ્ચેના યુદ્ધની વણસી રહેલી પરિસ્થિતિએ આ લઘુ ઉદ્યોગની કમર તોડી નાખી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના પરિણામે પેટ્રોલિયમ પેદાશો અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકાયો છે, જેની નકારાત્મક અસર બાંધણી ઉત્પાદનમાં વપરાતા કાપડ અને કલર કેમિકલના ભાવ પર પડી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર છેલ્લા સાડા ત્રણ દાયકામાં બાંધણીના વ્યવસાયમાં આવી મંદી ક્યારેય જોવા મળી નથી. ઉત્પાદન ખર્ચમાં વધારા સામે ગ્રાહકો ઊંચા ભાવ ચૂકવવા તૈયાર ન હોવાથી આ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં બાંધણીની માગમાં 70થી 80 ટકા ઘટાડો નોંધાયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, જે કાચા માલની નિયમિત થતી હતી, તે હવે 15 કે 20 દિવસે એકવાર થાય છે, જેને પગલે અર્થતંત્ર ખોરવાઈ ગયું છે અને વેપારીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. જામનગરની આ અદ્વિતીય હસ્તકલા અને તેના પર નભતા લાખો પરિવારોના ગુજરાનને બચાવવા માટે વેપારીઓ, કારીગરો સરકાર પાસે વિશેષ રાહત પેકેજ, યોગ્ય આર્થિક સહાય અને નીતિગત સહકારની આશા રાખી રહ્યા છે, જેથી સદીઓ જૂની આ અમૂલ્ય સાંસ્કૃતિક - ધરોહરને કાયમ માટે લુપ્ત થતી અટકાવીને પુનઃ જીવંત રાખી શકાય.

